- જોય ટ્રેનનો ચાલક ઘટના બાદ નાસી ગયો
- પરિવાર જંબુસરથી કમાટી બાદ ફરવા આવ્યો હતો
- પોલીસે જોય ટ્રેનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરાઃ શહેરના કમાટીબાગમાં બાળકો માટેની જોય ટ્રેને એક બાળકીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. શહેરના કમાટી બાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી જતા કરૂણ મોત નીપજ્યું હતું. શનિવારે સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે કમાટીબાગમાં ફરવા આવેલા સહેલાણીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાબાદ જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જોકે, જોય ટ્રેન ચાલક ઘટના બાદ ફરાર થઈ જતાં પોલીસ શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચ જિલ્લાના જંબુસર કસ્બા સોગાદ વાડીમાં રહેતા પરવેઝ પઠાણના પરિવારજનો હાલ ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી કમાટીબાગમાં પરિવાર સાથે ફરવા માટે આવ્યા હતા, ત્યારે આ પરિવાર જોય ટ્રેન સ્ટેશન તરફ આવી રહ્યા હતા. જોકે, સમી સાંજે આશેર 5:30 વાગ્યાના સુમારે ટ્રેન સ્ટેશનમાંથી 100 જેટલા મુસાફરોને લઈને સયાજીબાગનો ચક્કર મારવા નીકળી હતી. જોય ટ્રેન સ્ટેશનથી નીકળીને ગેટ નંબર 2 પાસે પહોંચતા જ જોય ટ્રેનના એન્જિનની અડફેટે 4 વર્ષની બાળકી ખાતિમ પઠાણ આવી જતાં બેભાન થઈ હતી. પરિવારજનો તુરત જ તેને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તબીબોએ સારવાર આપતા પહેલાં જ બાળકીને મૃત જાહેર કરતાની સાથે જ પરિવારજનોના હૈયાફાટ રૂદનને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. બીજી તરફ હોસ્પિટલ ખાતે આવી પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી શરૂ કરી હતી.
આ ઘટના અંગે જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, જોય ટ્રેન 100 જેટલા સહેલાઈણીઓને લઈને સયાજીબાગનો ચક્કર મારવા નીકળી હતી. તે દરમિયાન ગેટ નંબર 2 પાસે 4 વર્ષની બાળકી એન્જિનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઈજા પામી હતી. આ ઘટના બાદ જોય ટ્રેનને બંધ કરી દેવામાં આવી છે. ટ્રેનમાં સવાર મુસાફરોને રિફંડ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જોય ટ્રેનમાં બેસવા માટે વેઇટીગમાં બેઠેલા 100 જેટલા સહેલાઈણીઓને પણ રિફંડ આપી દેવામાં આવ્યું છે. અચોક્કસ મુદત માટે જોય ટ્રેનને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમાટીબાગમાં બનેલી ઘટનાની જાણ વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને બાળકી ગુમાવનાર પરિવારજનોને સાંત્વન આપી હતી. આ બનાવ અંગે સયાજીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતાં જોય ટ્રેનનો ચાલક ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.