Site icon Revoi.in

અમદાવાદમાં મકરબા વિસ્તારમાં પીજીમાં આગ લાગતા 4 યુવાનો દાઝ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં વિવિધ કોલેજોમાં ભણતા અનેક બહારગામના વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજીના મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર વિદ્યાર્થીઓ દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવી જાણવા મળ્યું છે કે, પીજીમાં રહેતા ચાર વિદ્યાર્થીઓ રિસર્ચ માટે લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી. તે દરમિયાન રાત્રે ચારેય સૂતા હતા અને કોઈ કારણસર બેટરી ફાટતા તેમાં આગ લાગી હતી. આગ અને ધુમાડાના કારણે ચારેય યુવકો બેભાન થઈ ગયા હતા અને દાઝી ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગમાં 11મા માળે એલ જે  કોલેજમાં અભ્યાસ કરતા 4  વિદ્યાર્થીઓ પીજી તરીકે રહેતા હતા. ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓ  રિસર્ચ માટે લિથિયમ ઈલેક્ટ્રીક બેટરી લઈને ઘરે આવ્યા હતા અને સુતા હતા તે દરમિયાન એકાએક બેટરી ફાટતા આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. તે સમયે ઘર બંધ હોવાથી ચારેય યુવકો દાઝ્યા હતા અને ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા. આ બનાવની તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર ફાયરસ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઘરમાં રહેલા વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આજે વહેલી સવારે 3.47 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો. આગમાં દાઝેલા યુવકો એલજે કેમ્પસમાં અભ્યાસ કરતા હતા. ચારે યુવકો ઇલેક્ટ્રીક બેટરીને ચાર્જમાં મૂકી હતી અથવા તો અન્ય કોઈ કામ માટે ત્યાં રાખી હતી, જેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. લિથિયમની બેટરી હોવાનું ધ્યાને આવ્યું છે, હાલ શું કારણથી આગ લાગી તે અંગે માહિતી મળી નથી.

Exit mobile version