Site icon Revoi.in

ગાંધીનગરમાં કલા મહાકૂંભમાં 4000 કલાકાર સ્પર્ધકોનો જમાવડો, 37 કૃતિઓનું પ્રદર્શન

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભનો ગાંધીનગરમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું તા. 20 માર્ચ સુધી ટાઉનહોલ અને ગોપાલક વિદ્યા સંકુલમાં આયોજન કરાયુ છે.  સ્પર્ધામાં ઉત્તર ઝોન, મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતના લગભગ 4000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લોકનૃત્ય સહિત 37 વિવિધ કલા કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કલા મહાકુંભનું ઉદઘાટન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતુ. ગાંધીનગરમાં આયોજિત કલા મહાકંભમાં 4000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, 2017થી શરૂ થયેલા આ કાર્યક્રમમાં 6થી 60+ વર્ષના કલાકારો ભાગ લે છે. સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા સુધી યોજાય છે. તાલુકા કક્ષાએ 14, જિલ્લા કક્ષાએ 23, પ્રદેશ કક્ષાએ 30 અને રાજ્ય કક્ષાએ 37 કૃતિઓનું આયોજન કરવામાં આવે છે. દરેક પ્રદેશ કક્ષાએથી પ્રથમ ત્રણ વિજેતાઓ રાજ્યકક્ષા માટે પસંદગી પામે છે. રાજ્યકક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.