Site icon Revoi.in

અમેરિકા દ્વારા શુલ્ક લગાવવો દુઃખદ, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરશેઃ વિદેશ મંત્રાલય

Social Share

નવી દિલ્હીઃ અમેરિકી શુલ્ક પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ભારત રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પગલાં લેશે’ અમેરિકી શુલ્ક અંગે ભારતની તરફથી જવાબ મળ્યો છે. વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું હતું કે અમેરિકા દ્વારા શુલ્ક લગાવવો દુઃખદ છે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરશે.

પ્રવક્તા રંધીર જયસ્વાલે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાએ રશિયા પાસેથી ભારતના તેલ આયાતને નિશાન બનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દાઓ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ છે — આપણા આયાત બજારના પરિબળો પર આધારિત છે અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દુઃખદ બાબત છે કે અમેરિકા એવાં પગલાંઓ માટે ભારત પર વધારાનો શુલ્ક લગાવે છે જે અન્ય ઘણા દેશો પણ પોતાના રાષ્ટ્રીય હિતમાં કરી રહ્યા છે. “અમે પુનરાવૃત્તિ કરીએ છીએ કે આવા પગલાં અયોગ્ય, અન્યાયી અને અવિવેકી છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.”

આ નિવેદન અગાઉ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત પર 25% વધારાનો શુલ્ક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ પગલાનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયાથી તેલની ખરીદી જણાવવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસ મુજબ, યુક્રેન યુદ્ધને લઈ રશિયા પર લાગેલા પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આદેશ મુજબ, ભારત સીધા કે આડકતરી રીતે રશિયાથી તેલ આયાત કરે છે, જેને અમેરિકા પોતાના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ માટે ખતરો માને છે. આ વધારાનો શુલ્ક આદેશ જાહેર થયાના 21 દિવસ બાદ લાગુ થશે. આ શુલ્ક અગાઉથી લાગુ અન્ય શુલ્કોના ઉપર લાગુ થશે, સિવાય કે તેમાં છૂટછાટ આપવામાં આવી હોય.

Exit mobile version