Site icon Revoi.in

અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગણેશજીના વિસર્જન માટે 49 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં મોટાભાગની રહેણાક સોસાયટીઓ અને લોકોએ પોતાના ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે. અને રંગેચંગે ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે કુલ 40 સ્થળોએ 49 વિસર્જન કુંડ તૈયાર કરાયા છે, જેના માટે 80થી 90 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કુંડમાં 25,000થી વધુ ગણેશજીની નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ઘરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં જળસ્તર વધતા, લોકોને નદીમાં વિસર્જન કરતા રોકવા માટે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે, જેથી લોકો ફક્ત બનાવેલા કુંડનો જ ઉપયોગ કરી શકશે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ સહિત વિવિધ વોર્ડમાં લોકો ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જિત કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના-મોટા કુલ 49 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. ભગવાન ગણેશનું લોકો ભાવપૂર્વક વિસર્જન કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ વિસર્જન કુંડ પર કરવામાં આવી છે. જેમાં લાઈટ, સિક્યુરિટી, ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. પાણી છોડવાના પગલે રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પર આવીને લોકો મૂર્તિનું વિસર્જન ન કરે તેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પોલીસને આ મામલે સૂચના આપી અને તકેદારી રાખવા માટે જણાવ્યું છે. વિસર્જન કુંડ તરફ જવાના માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે તેના માટે લાઈટ વિભાગને સૂચના આપવામાં આવી છે. લોકોને વિસર્જન કુંડ કઈ તરફ છે તેની પણ યોગ્ય માહિતી મળી રહે તેના માટે કુંડ તરફ જવાના રોડ ઉપર સાઈન બોર્ડ પણ મૂકવા આવ્યા છે.