Site icon Revoi.in

જુનાગઢમાં ફટાકડા ફોડવાના મુદ્દે યુવાનની હત્યા કેસમાં મહિલા સહિત 5 આરોપીની ધરપકડ

Social Share

જૂનાગઢઃ દિવાળીની મોડી રાતે શહેરના મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાનું મોત નિપજ્યુ હતુ. પોલીસે હત્યાની ગંભીરતાને ધ્યાને લઈને ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરી, નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે  પાંચેય આરોપીઓને લઈ જઈ જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગ ચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.

જૂનાગઢ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય એમ જાહેરમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. શહેરના મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ 28 વર્ષીય યુવાનની હત્યા કરી હતી.  મૃતક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાના માતા પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમાએ રડતા અવાજે કહ્યું હતું કે,  મારા એકનો એક દીકરાને આ દિવાળીનાં દિવસે ફટાકડા બાબતે પાંચ જણાએ માર મારીને હત્યા કરી છે. મારા દીકરાને માર્યો એવો જ મારે ન્યાય જોઈએ. હત્યારાઓને  ફાંસીની સજા આપો. મારે ન્યાય જોઈએ. મને મારા દીકરાની સામે જીવ સામે જીવ જોઈએ. પાંચેય તૂટી પડ્યા ને મારા દીકરાનો જીવ લઈ લીધો. પાંચેયને ફાંસીની સજા આપો.

​ભાઈબીજના તહેવારે એકના એક ભાઈને ગુમાવનાર મૃતકની બહેન જલ્પાબેન ભુવાએ જણાવ્યું હતું કે, “આજના દિવસનું મને બહુ જ દુઃખ થાય છે કે આજે ભાઈબીજ છે અને મારો ભાઈ અમારી વચ્ચે નથી. મારો ભાઈ અમારા પરિવારનો આધાર સ્તંભ હતો. આજે આ આરોપીઓએ અમારા કુટુંબના સહારાને છીનવી લીધો છે. જેને મારા ભાઈની હત્યા કરી છે તેવા અધર્મની પાપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે.