
કોરોના કાળમાં કપુરની માગમાં 50 ટકાનો વધારોઃ કપુરનો વધારે વપરાશ આરોગ્ય માટે હાનીકારક
અમદાવાદઃ કોરોનાના કાળમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાતા ઉકાળાથી લઈને આયુર્વેદ દવાઓનું વેચાણ વધ્યુ હતું. ઉપરાંત શુદ્ધ હવા માટે કપુરદાની અને કપુરની સારીએવી માગ ઊભી થઈ હતી.તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો થતા તેના ભાવમાં પણ પહેલા કરતા બમણો વધારે થયો છે.
અગાઉ 500 રૂપિયે કિલો મળતા કપૂરની કિંમત હવે 1100-1200 રૂપિયા થઈ છે. પહેલા કપૂરની ગોળીઓનો વપરાશ પૂજા કે પ્રસંગોપાત્ત થતો હતો. હવે કપૂર, કપૂરની પોટલી તેમજ કપૂરની અગરબત્તી જેવી પ્રોડક્ટનો ઉપયોગ વધ્યો છે. લોકો કપૂરની પોટલી બનાવીને પોતાના ખીસ્સામાં તેમજ કારમાં રાખતા થયા છે. વેપારીઓના કહેવા મુજબ ઘણા ગ્રાહકો અગાઉ ઘરમાં કોઈ પૂજા હોય ત્યારે કપૂરનો ઉપયોગ કરતા હતા. હવે કપૂર ફ્રેગ્રેન્સની અગરબત્તી અને ધૂપનો ઉપયોગ પણ કરીએ છીએ. કોરોના સમયે કપૂર-લવિંગની પોટલીનો પ્રયોગ પણ અજમાવ્યો હતો.
કપુરના એક્સપર્ટે જણાવ્યું હતું કે, હાલ લોકો જે કપૂરનો ઉપયોગ કરી કહ્યા છે તે પ્રાકૃતિક નહીં પરંતુ સિન્થેટિક કપૂર છે. જે સ્ટ્રોંગ હોવાથી શરદી હોય ત્યારે બ્રિધિંગ માટે સારું લાગે છે. પરંતુ સતત ઘરમાં, કારમાં કે ઓફિસમાં દરેક જગ્યાએ કપૂર કે તેની પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. ક્યારેક વધારે કપૂર સુંઘવાથી વ્યક્તિને તકલીફ થઈ શકે છે. ફક્ત કપૂર સુંઘવાના બદલે લવિંગ, અજમો મિક્સ કરી એક પોટલી બનાવી તેને વારંવાર સુંઘી શકાય છે. કપૂરના વધારે પડતા ઉપયોગથી ઉલ્ટી અને માથાંનો દુ:ખાવો જેવી તકલીફ પણ થઈ શકે છે.
વેપારીઓના કહેવા મુજબ અગાઉ પૂજાની કિટમાં કે હવનમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કપૂર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. લોકો આ પ્રકારના નુસખા અજમાવતા કપૂરની માગમાં વધારો થયો છે. 2019-20ની સરખામણીએ 2020-21માં 2-2.5 લાખના કપૂરનું વેચાણ થયું છે. કાર હેન્ગિંગ અને કપૂર મશીન ખરીદતા લોકોમાં વધારો જોવા મળ્યો છે. કપૂરની ડિમાન્ડ કોરોના સમય દરમિયાન વધી હતી. 2018-19ની સરખામણીએ 2020-21માં કપૂર કે જે અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવે છે તેમાં 50 ટકાનો વધારો થયો છે. તેમજ કપૂરનો સાબુ, કપૂર ધૂપ, અગરબત્તી અને કપૂર કોન જેવી નવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં જોવા મળી છે.