Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શાળાના 5000 શિક્ષકો પગારથી વંચિત

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાની પ્રાથમિક શાળાઓના 5000થી વધુ શિક્ષકોને માર્ચ મહિનાના 20 દિવસ વિતી ગયા હોવા છતાંયે પગાર મળ્યો નથી. પગાર ન મળતા શિક્ષકોની હાલત કફોડી બની છે. શિક્ષકોને વહેલી તકે પગાર ચુકવવા માટે ગઈ તા.12 માર્ચે શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી.પણ હજુ સુધી પગાર ચુકવાયો નથી. માર્ચ મહિનો હિસાબી વર્ષનો એન્ડિંગ મહિનો ગણાતો હોવાથી ગ્રાન્ટના અભાવે પગાર ચકવી શકાયો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો પગારથી વંચિત હોવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ચ મહિનો પૂરો થવા આવશે છતાં પગાર નહીં મળવાથી ઘણા શિક્ષકોને ઘરખર્ચ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકો પાસે પોતાના વ્યવસાય સિવાય કોઇ બીજા આવકના સ્ત્રોત હોતા નથી. ઉપરાંત તેમના પગાર ઉપર પરિવારની મોટી જવાબદારી હોય છે. તે સાથે મકાનની હોમ લોન કે બેંક લોનના હપ્તા પણ  પગાર આવ્યા બાદ બેંકમાંથી નિયત તારીખે કપાતા હોય છે. હાલ ઈન્કમટેક્સ હિસાબી મહિનો હોવાથી માર્ચ અને એપ્રિલ પગારમાંથી ઈન્કમટેક્સ સમયસર કપાત થતી હોય છે. ત્યારે ચાલુ માસની 20 તારીખ થવા છતાં પગાર થયો નથી.

પ્રાથમિક શિક્ષકોને શાળા પગાર કેન્દ્રો પરથી મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પગાર મળી જતો હોય છે. પણ આ વખતે ફેબ્રુઆરી મહિનાનો પગાર માર્ચની 20મી તારીખ સુધી હજુ મળ્યો નથી. શિક્ષક સંઘ દ્વારા પણ વહેલીતકે પગાર કરવા માટે લેખિત રજુઆત કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના અધિકારીઓ દ્વારા સપ્તાહમાં પગાર ચુકવી દેવાશે એવી હૈયાધારણ આપવામાં આવી રહી છે.

Exit mobile version