Site icon Revoi.in

રાજકોટના ખેતલા આપાના મંદિરમાંથી 52 સાપ મળ્યા, મહંતની અટકાયત

Social Share

રાજકોટઃ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ મળતા મંદિરના મહંતની અટકાયત કરીને વન વિભાગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મંદિરના મહંત મનુ મણીરામે પૂજા અને લોકોને બતાવવા માટે 52 સાપો મંદિરમાં રાખ્યા હતા. અને મંહતે નાગનું ઘર કહીને સોશિયલ મિડિયામાં વિડિયો પણ મુક્યો હતો. આ વિડિયો વન વિભાગને ધ્યાન પર આવતા રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ખેતલાઆપા મંદિરમાં ગેરકાયદે રખાયેલા શિડ્યૂલ-1ના 52 સાપ શોધી કાઢ્યા હતા અને મંદિરના મહંતની અટકાયત કરી હતી.

રાજકોટમાં ગત મોડી રાતે ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરના મહંતની અટકાયત કરવામાં આવી હતી. ખેતલા આપાના મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયા પોતે આ મંદિરને નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યા હતા, જે ધ્યાને આવતા આ કડક કાર્યવાહી કરીને વન વિભાગે મંદિરમાંથી 52 જેટલા જીવતા સાંપ પણ જપ્ત કર્યા હતા.

રાજકોટના આરએફઓ વિક્રમસિંહ પરમારને બાતમી મળી હતી કે, એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સાપને ગોંધી રાખવામાં આવ્યા છે. જેને લઈને ડીસીએફ યુવરાજસિંહ જાડેજા તથા એસીએફ એસ.ટી. કોટડિયાને માહિતગાર કરતાં ખાસ ટીમની રચના કરાઈ હતી. આરએફઓ પરમાર ઉપરાંત દક્ષિણ આરએફઓ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.બી.મોકરિયાની એમ બે આરએફઓની સંયુક્ત ટીમ બનાવાઈ હતી અને જૂના યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે આવેલા ખેતલાઆપા મંદિરે ટીમ પહોંચી હતી. જ્યાં મહંત મનુ મણિરામ દૂધરેજિયાની પૂછપરછ કરતાં મંદિરની અંદર અલગ અલગ જગ્યાએ સાપ મળી આવ્યા હતા.આ સાપ કોમન સેન્ડ બોઆ અને તે પણ શિડ્યુલ-1ના હોવાથી તાત્કાલિક સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. શિડ્યૂલ-1ના જીવ હોવાથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ મહંત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગીને સાપ ક્યાંથી લાવ્યા તેમજ કોઇ બીજાને આપ્યા છે કે કેમ તે સહિતની પૂછપરછકરવામાં આવશે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ખેતલા આપા મંદિરમાં ઘણા સમયથી આ સાપ રાખવામાં આવ્યા હતા. જોકે ત્યાં વધુમાં વધુ દર્શનાર્થીઓ અને ભાવિકો આવે એટલા માટે મંદિરના મહંત મનુ દૂધરેજિયાએ સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. નાગનું ઘર અને નાગનું મંદિર તેમજ 100થી વધુ સાપનો આવાસ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જ વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાઇરલ કરાયા હતા. જેનો આશય વધુમાં વધુ લોકો મંદિરે આવે તેવો હતો. જોકે આ વીડિયો વનવિભાગ સુધી પહોંચી જતા કાર્યવાહી કરાઈ છે.

આરએફઓના કહેવા મજબ  સાપ એ મોટી કેટેગરી ગણાય તેની અંદર પેટે રેલતા સરીસૃપો આવી જાય. પણ જેને પૂજનીય ગણવામાં આવે છે તે નાગની કેટેગરીના સાપ છે. મંદિરમાંથી જે કોમન સેન્ડ બોઆ રેસ્ક્યૂ કરાયા છે તે સાપ ખરા પણ નાગ નહિ. સાદી ભાષામાં તેને અંગોઠિયું કહેવાય છે. આવી જ કેટેગરીમાં આંધળી ચાકળ, અજગર બધા જ આવે. અહીં બોઆને નાગ તરીકે બતાવી પૂજા કરાવાતી હતી. આ સાપ તદ્દન બિનઝેરી હોય છે અને તેને રેતી જેવી જગ્યા મળી જાય એટલે ત્યાં જ પડ્યા રહેતા હોય છે.

Exit mobile version