Site icon Revoi.in

માણસા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ દિવસમાં 59 ઉમેદવારી ફોર્મ ભરાયા

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના માણસા નગરપાલિકાની 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ ચૂંટણી યોજવાની જાહેરાત થતાં  રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી 140 અને કોંગ્રેસમાંથી 90 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં ચાલી રહી છે. તે પૂર્ણ થયા બાદ અન્ય નગરપાલિકાઓની સાથે માણસા નગરપાલિકાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ માણસાના શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ સારૂએવું છે, છતાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાં ટિકિટના દાવેદારીની સંખ્યા વધુ છે. ભાજપમાં ટિકિટ માંગનારા વધુ હોવાથી જેમને ટિકિટ નહીં મળે તેનો અસંતોષ પણ વધશે. ભાજપ દ્વારા આ વખતે પણ ઉમેદવારોની પસંદગી પક્ષના ધારાધોરણ અને નિયમો મુજબ કરવાનું નક્કી કર્યું છે, જેમાં ‘નો રિપીટ થિયરી’નો અમલ થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે.

માણસા નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા ત્રણ દિવસમાં ચૂંટણી લડવા માટે 59 ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા છે. 1લી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ ફોર્મ ચકાસણી થશે અને 28 બેઠકો માટે અંતિમ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે. સાત વોર્ડની આ ચૂંટણીમાં બંને પક્ષો જીત મેળવવા માટે મજબૂત ઉમેદવારોને તક આપવાની રણનીતિ અપનાવી રહ્યા છે.