- રૂ.5 લાખની લેવડ- દેવડમાં અપહરણ કરી હરિયાણા લઈ જતા હતા
- રાજકોટ પોલીસે સ્ટેટ કંન્ટ્રોલરૂમને જાણ કરતા થરાદ પોલીસે વોચ રાખી હતી
- અપહરણકારોની કારમાંથી પોલીસના ફેક આઈકાર્ડ અને સ્ટીકરો પણ મળ્યા
રાજકોટઃ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમુલ સર્કલ નજીક સેટેલાઇટ બસસ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વારે મિત્રો સાથે બેઠા હતા, ત્યારે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ સુરેશ મકવાણાનું અપહરણ કર્યુ હતુ. આ અંગે સુરેશની માતા લીલાબેન રમેશભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતા પોલીસે સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરતા પોલીસના નાકાબંધી કરવાની સુચના આપવામાં આવી હતી. દરમિયાન થરાદ પોલીસે ભારતમાલા હાઇવે ઉપર નાકાબંધી કરી ઝડપી લઇ અપહ્યત યુવકને છોડાવ્યો હતો, અને હરિયાણાના અપહરણકાર 6 શખસોને સ્કોર્પિયા કાર સાથે ઝડપી લેવાયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રાજકોટના યુવકનું રૂપિયા 5 લાખની લેતી દેતીમાં અપહરણ કરાયું હતુ. જેને લઇને હરિયાણા જઇ રહેલા છ શખ્સોને થરાદ પોલીસે ભારતમાલા હાઇવે ઉપર નાકાબંધી કરી ઝડપી લઇ અપહ્યત યુવકને છોડાવ્યો હતો. રાજકોટના કાલવાડ રોડ ઇસ્કોન મંદિર પાછળ આર.એમ.સી. પરીશ્રમ આવાસ યોજનામાં રહેતા સુરેશ રમેશભાઇ મકવાણા (ઉ.વ. 27) શનિવારે સાંજે 5.30 કલાકે તેના મિત્રના લગ્નમાં જવાનું કહી બહાર નીકળ્યો હતો. જે રાત્રે ભાવનગર રોડ ઉપર આવેલા અમુલ સર્કલ નજીક સેટેલાઇટ બસસ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વારે મિત્રો સાથે બેઠા હતા. ત્યારે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ સુરેશ મકવાણાનું અપહરણ કર્યુ હતુ. આ અંગે તેની માતા લીલાબેન રમેશભાઇ મકવાણાએ રાજકોટના થોરાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી રાજકોટ ક્રાઇમ બ્રાંચે સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી તપાસ હાથ ધરી હતી. જેનો મેસેજ મળતાં થરાદ પીઆઇએ ટીમ સાથે ભારતમાલા હાઇવે ઉપર વાંતડાઉ ગામની સીમમાં નાકાબંધી કરી હતી. જ્યાં આવેલી સ્કોર્પિયો ગાડીને રોકી અપહ્યત યુવકને છોડાવ્યો હતો. અને છ શખ્સોની અટકાયત કરી હતી.જેમની પાસેથી હરિયાણા પોલીસના નકલી આઇકાર્ડ તેમજ હરિયાણા પોલીસનું સ્ટીકર લગાવેલી ગાડી કબ્જે લેવાઈ હતી.