Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ, 1.93 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી

Social Share

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ રવિ સીઝનમાં છેલ્લા એક મહિનાથી વાવણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 7.49 લાખ હેક્ટર સાથે સિઝનનું 62.34% વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 1.93 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 25.76% હિસ્સો છે. જ્યારે 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરના 22.30% હિસ્સા બરાબર છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર સહિત જિલ્લાઓમાં ખેડૂતો રવિ સીઝનની વાવણીના કાર્યમાં પરોવાયા છે. જેમાં અત્યાર સુધીમાં 7.49 લાખ હેક્ટર સાથે સિઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ 1.93 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.. જ્યારે 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે.  આ ઉપરાંત બટાટાનું 1,18,081 હેક્ટર, ઘાસચારાનું 1,00,395 હેક્ટર, ચણાનું 63,448 હેક્ટર, તમાકુનું 32,514 હેક્ટર, જીરૂનું 27,718 હેક્ટર, શાકભાજીનું 14,805 હેક્ટર, મકાઈનું 9,661 હેક્ટર, વરીયાળીનું 7,924 હેક્ટર, અજમોનું 4,745 હેક્ટર, સવાનુ 3,271 હેક્ટર, ઇસબગુલનું 1,241 હેક્ટર, મેથીનું 792 હેક્ટર, લસણનું 365 હેક્ટર, ડુંગળીનું 235 હેક્ટર, ધાણા 189 હેક્ટર અને અન્ય પાકોનું 3,737 હેક્ટર વાવેતર પૂર્ણ થયું છે. હજુ પણ વાવણી કાર્ય ચાલુ છે. એટલે રવિ સીઝનના વાવેતરમાં વધારો થશે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં 1,80,476 હેક્ટરના અંદાજ સામે 1,10,452 હેક્ટર સાથે સિઝનનું 61.20 ટકા વાવેતર થયું છે. મુખ્ય પાકોમાં સૌથી વધુ 40,082 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત 22,923 હેક્ટરમાં રાઈનું, 12,381 હેક્ટરમાં તમાકુનું અને 4,970 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે. જ્યારે  પાટણ જિલ્લામાં 2,28,561 હેક્ટરના અંદાજ સામે 1,51,182 હેક્ટર સાથે સિઝનનું 66.15 ટકા વાવેતર પૂર્ણ થયું છે. મુખ્ય પાકોમાં સૌથી વધુ 49,995 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. આ ઉપરાંત 23,801 હેક્ટરમાં રાઈનું, 20,921 હેક્ટરમાં જીરૂનું અને 17,709 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં  4,96,320 હેક્ટરના અંદાજ સામે 2,75,450 હેક્ટર સાથે સિઝનનું 55.50 ટકા વાવેતર થયું છે. મુખ્ય પાકોમાં સૌથી વધુ 1,16,575 હેક્ટરમાં રાઈનું વાવેતર થયું છે. આ ઉપરાંત 56,765 હેક્ટરમાં બટાટાનું, 29,580 હેક્ટરમાં ઘઉંનું અને 6,746 હેક્ટરમાં જીરૂનું વાવેતર કરાયુ છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં 1,50,265 હેક્ટરના અંદાજ સામે 1,12,928 હેક્ટર સાથે સિઝનનું 75.15% વાવેતર પૂર્ણ થયું છે. મુખ્ય પાકોમાં સૌથી વધુ 51,616 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત 35,783 હેક્ટરમાં બટાટાનું, 8,533 હેક્ટરમાં તમાકુનું અને 4,087 હેક્ટરમાં ચણાનું વાવેતર છે. તેમજ અરવલ્લી જિલ્લામાં 1,46,792 હેક્ટરના અંદાજ સામે 99,530 હેક્ટર સાથે સિઝનનું 67.80 ટકા વાવેતર થયું છે. મુખ્ય પાકોમાં સૌથી વધુ 54,068 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. આ ઉપરાંત 19,758 હેક્ટરમાં બટાટાનું, 8,088 હેક્ટરમાં ચણાનું અને 5,524 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે.

Exit mobile version