Site icon Revoi.in

વિસનગરના કંસારાકૂઈ ગામે પાટોત્સવના જમણવાર બાદ 67 લોકોને ફુડપોઈઝનિંગ

Social Share

વિસનગરઃ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામમાં મહાકાળી માતાજીના પાટોત્સવમાં સાંજના જમણવાર પછી 67 લોકોને ઝાડા ઊલટી અને પેટમાં દુખાવા લાગતા ફુડ પોઈઝનની અસર હોવાને લીધે ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં તાલુકા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં તમામને ફુડ પોઇઝનિંગ થયા હોવાનું માલુમ પડ્યું હતું અને 67 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. હાલ એક પણ દર્દીની હાલત ગંભીર ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આ બનાવની વિગતો એવી છે કે, વિસનગરના કંસારાકુઇ ગામમાં ગત 12 મેના રોજ મહાકાળી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે જમણવારમાં મોહનથાળ, છોલે ચણા, પુરી, ભાત, કઢી, મરચા અને છાશ રાખવામાં આવી હતી. જેમાં અંદાજીત 2000થી પણ વધુ લોકો જમ્યા હતા. જ્યારે સાંજ સમયે પણ જમણવારમાં લાડુ, વાલનું શાક, મિક્સ સબ્જી, કેરીનો રસ, પુરી, દાળ-ભાત, છાશ અને પાપડ રાખવામા આવ્યો હતો જેમાં 2400 લોકો જમ્યા હતા. સાંજે ભોજન લીધા બાદ કેટલાક લોકોને એકાએક ઝાડા-ઉલ્ટી તેમજ પેટમાં દુખવા લાગતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી તાલુકા આરોગ્ય વિભાગની ટીમ બોલાવી દીધી હતી. જે બાદ 67 દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી હતી. હાલ આ તમામની હાલત સ્વસ્થ અને સ્થિત હોવાનું મનાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટીવીટી અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી છે.

આ ગંભીર ઘટનાની માહિતી આપતા તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, કંસારાકુઇ ગામે ગત 12 મેના રોજ પાટોત્સવ દરમિયાન 2200થી 2500 જેટલા લોકોએ બપોરે અને સાંજે જમણવાર લીધો હતો. જે બાદ કંસારાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાળા-ઉલટી અને પેટમાં દુ:ખાના એકાએક કેસો નોંધાયા હતા. એવી જાણકારી મેડીકલ ઓફિસરે કોલ પર આપી હતી. જે બાદ તાલુકા અને જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.તપાસ કરતા જાણવા મળ્યું કે, અંદાજીત 67 જેટલા લોકોને ઝાડા-ઊલટી તથા પેટમાં દુ:ખાવાના જેવા લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ તમામ દર્દીઓને OPD બેઝ પર સારવાર આપવામાં આવી હતી. જેથી એક પણ દર્દીને ક્યાંય પણ રિફર કરવાની જરુર પડી નથી અને તમામના જીવ બચી ગયા છે. આ તમામ દર્દીઓમાં માત્ર 1 જ બાળક છે, જ્યારે અન્ય દર્દીઓ 45 વર્ષથી વધુ વયના છે. આ તમામની હાલત અત્યારે સારી જ છે. ( File photo)

Exit mobile version