અમદાવાદ, 29 એપ્રિલ 2026: 7 men fatally attack businessman શહેરના પૂર્વ વિસ્તાર એવા બાપુનગર વિસ્તારમાં મહાવીરનગરમાં એક દુકાનનું શટર ખોલીને વેપારી પર સાત જેટલા માથાભારે શખસોએ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જુના ઝઘડાની અદાવત રાખીને સાત જેટલા શખસો વેપારીની દુકાને પહોંચી ગયા હતા અને તેની દુકાનનું શટર ખોલીને વેપારીને ઢોર માર માર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે વેપારી દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. બાપુનગર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સૈજપુર વિસ્તારમાં દિલ પર રેસીડેન્સીમાં મલખાનસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે રહે છે અને મહાવીર નગર રોડ પર સહજાનંદ એવન્યુમાં દુકાન ધરાવીને ટ્રેડિંગનો વેપાર કરે છે. ગઈ તા. 26 એપ્રિલ ના રોજ રાત્રિના સમયે જ્યારે મલખાનસિંહ તેમની દુકાન બંધ કરીને જતા હતા ત્યારે વિજય, રાહુલ, શાકા, પ્રમોદ, બરચી અને અન્ય શખ્સો મળી કુલ સાત જેટલા લોકો લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને તેમની દુકાને આવ્યા હતા અને તને આજે જાનથી મારી નાખવાનો છે. તેમ કહીને માર માર્યો હતો. રાહુલ મરાઠી નામના શખ્સે દંડા મારીને ઓફિસના કાચના દરવાજા પણ તોડી નાખ્યા હતા. દરમિયાન મલખાનસિંહના મિત્ર આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 7 જેટલા શખ્સો જાનથી મારી નાખવાના ઇરાદે દુકાનમાં ઘુસી અને મારામારી કરી હતી. લાકડીઓ અને ડંડા વડે માર મારવામાં આવ્યો હોવા અંગેની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી
આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાવીરનગરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં ફરિયાદી દ્વારા પોસ્ટ મારફતે અરજી કરવામાં આવી છે. અરજી અંગેની તપાસ કરતા ફરિયાદી દ્વારા 22 એપ્રિલના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી હતી જે મામલે ફરિયાદ નોંધાતા તેમાં આરોપી છે અને ફરિયાદી અમારી સુધી આવ્યો નથી જેથી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓ દ્વારા મારામારી કરવામાં આવી હતી તેની પણ અમારા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

