Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના 7 કેસ, સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 7થી 8 જેટલાં કેસ નોંધાતા રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડનો અલાયદો આઈસોલેશન વોર્ડ ઊભો કરી દેવાયો છે. આઈસોલેશન વોર્ડ બે ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટરથી સજ્જ છે, આ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ અલાયદો વોર્ડ ઊભો કરાયો કરાયો છે. લોકોને પણ કોરોના સામે સાવચેત રહેવા અપિલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.

ગુજરાતમાં કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે, જેમાં આજે કડીમાં 51 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેની તબિયત સ્થિર છે. તો અમદાવાદ શહેરમાં ગઇકાલે  7 કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષનાં વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. તમામ 7 દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 7 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે, પરંતુ તમામ દર્દીઓ ઘરે જ છે. કોઈપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. સિવિલ હોસ્પિટલમાં જો કોઈ કેસ આવે તો હોસ્પિટલ દર્દીની સારવાર માટે સજ્જ છે. 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથેના છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક પણ આવેલી છે. તમામ દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે.

રાજકોટમાં હજુ સુધી કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તેમ છતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે.