Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ડમ્પરો જપ્ત કરાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતભરમાં ખનીજ માફિયા સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ દરમિયાન ઓવરલોડિંગ અને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા 7 ડમ્પર જપ્ત કરી 2.10 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ટીમે રોયલ્ટી પાસ વગર અથવા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનીજ ભરીને વહન કરતા કુલ 7 ડમ્પર પકડી પાડ્યા હતા. આ વાહનોમાંથી આશરે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  પકડાયેલા વાહનોમાં રિલાયન્સ સર્કલ પાસેથી સાદી માટીનું ઓવરલોડિંગ, મહાત્મા મંદિર અને અડાલજ-કોબા રોડ પરથી સાદી રેતીનું ઓવરલોડિંગ કરતા ડમ્પરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલોલના નાસ્મેદ અને જાસપુર વિસ્તારમાં પણ રોયલ્ટી પાસ વગર સાદી માટી અને સાદી રેતીનું વહન કરતા ડમ્પરોને જપ્ત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે , ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે છેલ્લા એક અઠવાડિયામાં કલોલ, વલાદ, લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ તથા ગાંધીનગર જેવા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ખનીજોનું બિનઅધિકૃત વહન કરતા કુલ 37 કેસો કરવામાં આવ્યા છે. આ તમામ કેસોમાં કુલ અંદાજે 11.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2827 હેઠળ વાહન માલિકો પાસેથી અત્યાર સુધીમાં 45.50 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે.

Exit mobile version