Site icon Revoi.in

અંબાજીમાં ભદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે 7 લાખ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં લાખેની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ માર્ગે પર મોટી સંખ્યામાં પદયાત્રિઓ જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. પદયાત્રીકોનો પ્રવાહ અવિરત અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે. ગુરૂવારે ચોથા દિવસે 7.43 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યાં હતા અને ચાર દિવસમાં કુલ 22.43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત 1609 ધજાઓ ચડાવવામાં આવી હતા.જ્યારે 7.360 ગ્રામ સોનાનું અને 500 ગ્રામ ચાંદી માતાને ચઢાવવામાં આવ્યું છે અને ભંડારાથી 1.43 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

અંબાજીમાં જગ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં અંબાજી માતાને નવરાત્રિનું તેંડુ આપવા દુર દુરથી પદયાત્રીઓ સંઘો વાજતે ગાજતે મા અંબાના ધામ આરાસુર તરફ પ્રયાણ કરી રહ્યા છે. અંબાજીને સાંકળતા પાલનપુર, આબુરોડ, વિરમપુર, ખેડબ્રહ્મા, દાંતા, ખેરાલુ, સતલાસણા સહિતના માર્ગો પર જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે. પદયાત્રીઓ માતાજીના દર્શન કરવાના દ્રઢ સંકલ્પ અને અદમ્ય ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. તેમજ સેવા કેમ્પો દ્વારા પણ યાત્રીઓની અવિરત સેવા કરવામાં આવી રહી હોય ભાદરવીના મેળાને લઈ આરાસુરમાં શક્તિ, ભક્તિ સાથે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. જેમાં ગુરૂવારે અંબાજીને જોડતા માર્ગો પર જાણે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હોય તેમ માનવ સાંકળ રચાઈ હતી.

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે યાત્રાળુનો અવિરત પ્રવાહ અંબાજીમા છલકાતા 7.43 લાખ જેટલા યાત્રાળુઓએ માતાજીના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો. હાલમાં યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમનો મેળો તેના મધ્યાંતરે પહોંચ્યો છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા સહિતની અન્ય સુવિધાઓનું આ વર્ષે વિશેષ આયોજન કર્યું છે. જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ઠેર ઠેર પદયાત્રીકો માટે સેવા કેમ્પોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના પગપાળા સંઘો અત્યારે અંબાજી નજીક પહોંચી રહ્યા છે.

અંબાજીમાં મહામેળાના ચોથા દિવસે અમદાવાદના પ્રખ્યાત લાલ ડંડા વાળો સંઘ તેની 191મી પદયાત્રા લઈને મા અંબાના ધામમાં પહોંચ્યો હતો.   મા અંબાના ચાચર ચોકમાં વર્ષોની પરંપરા મુજબ સૌપ્રથમ માતાજીના ગરબા ગાયા હતા. ત્યારબાદ મા અંબાના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. આ પદયાત્રા સંઘમાં 51 બ્રાહ્મણો કે જેઓ માતાજીનું નિશાન લઈને અમદાવાદથી અંબાજી સુધી જમીન ઉપર મૂક્યા વગર સતત હાથમાં પકડીને વર્ષોની પરંપરા મુજબ આવી પહોંચ્યા હતા. આ સંઘમાં જોડાયેલા 450થી વધુ પદયાત્રીઓએ માતાના દર્શન કરી સૌ કોઈ સુખી થાય અને સૌનું સ્વાસ્થ્ય સારૂરહે તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી.