1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેવાની 7067 ફરિયાદો, SG હાઈવેના બ્રિજ પર પણ અંધારા
અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેવાની 7067 ફરિયાદો, SG હાઈવેના બ્રિજ પર પણ અંધારા

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેવાની 7067 ફરિયાદો, SG હાઈવેના બ્રિજ પર પણ અંધારા

0
Social Share

અમદાવાદઃ શહેરના નાગરિકોને પાણી, રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટ અને ગટરની સુવિધા પુરી પાડવી એ મ્યુનિ.કોર્પોરેશનની પ્રાથમિક ફરજ ગણાય છે. પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ નિષ્ફળ સાબિત થી રહ્યું છે. શહેરમાં મોટાભાગના રોડ-રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈનો બંધ રહેતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં શહેરના એસ જી હાઈવે સહિતના બ્રિજ પર તો સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાથી અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનને છેલ્લા 24 દિવસમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની 7067 ફરિયાદો મળી છે. ઘણા વિસ્તારોમાં તો રોડ પરની સ્ટ્રીટ લાઈટ્સ સાગમટે બંધ જોવા મળતી હોય છે.

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગે નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદો કરતા થયા છે. છેલ્લા 24 દિવસમાં શહેરમાં સ્ટ્રીટ લાઈટો અંગેની 7067 જેટલી ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓનલાઇન મળી છે. શહેરમાં આવેલા મુખ્ય રોડ, સોસાયટીઓ અને કેટલાક બ્રિજ ઉપર લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. સૌથી વધારે જે વિસ્તારમાંથી ટેક્સ ચૂકવાય છે તેવા પશ્ચિમના પાલડી વાસણા નવરંગપુરા સહિતના પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધારે ફરિયાદો મળી છે. પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાંથી લાંભા અને વટવા વિસ્તારમાંથી સૌથી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ હોવા અંગેની ફરિયાદો ઉઠી છે. પરંતુ મ્યુનિ.ના જવાબદાર અધિકારીઓ ફરિયાદો મળી તે રૂટીન છે અને નોર્મલ ફરિયાદો છે. આટલી ફરિયાદો તો આવતી જ હોય છે. લાઈટો બંધ હોવાના અનેક કારણો હોય છે. એવુ કહીને હાથ અદ્ધર કરી દેતા હોય છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1લી  ઓગસ્ટથી લઈ 24 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન CCRS સિસ્ટમમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગેની ફરિયાદો મળી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1526 ફરિયાદ મળી છે. પશ્ચિમ ઝોનનાં પાલડીમાં 246, વાસણામાં 207 જેટલી ફરિયાદ મળી છે. નવરંગપુરા, નારણપુરા, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં પણ ફરિયાદ વધુ મળી છે. જ્યારે પૂર્વ વિસ્તારના દક્ષિણ ઝોનમાં 1329 જેટલી ફરિયાદો મળી છે. જેમાં વટવામાં 279 અને લાંભામાં 226 જેટલી ફરિયાદો મળી છે. બહેરામપુરા વિસ્તારમાં પણ 205 જેટલી ફરિયાદો મળી છે. મુખ્યત્વે ફરિયાદો સોસાયટીઓના આંતરિક રોડ સોસાયટી તેમજ મુખ્ય રોડ ઉપરની મળી છે. મુખ્ય રોડ ઉપર ચારથી પાંચ લાઈટો બંધ હોય અથવા તો આખી લાઇન બંધ હોય તેવી ફરિયાદો મળી છે. સોસાયટીના બહારના આંતરિક રોડ તેમજ નાના રોડ પર સ્ટ્રીટ લાઈટના થાંભલા બંધ અથવા તો ચાલુ બંધ થતા હોવા અંગેની પણ ફરિયાદો મળી છે. કેટલાક વિસ્તારોમાં દર બે કે ત્રણ દિવસે લાઈટો બંધ થતી હોવા અંગેની પણ ફરિયાદ મળી છે. એક વખત કોર્પોરેશનને ફરિયાદ કરે તો તેને ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ બે દિવસ બાદ ફરીથી તે લાઈટ બંધ થઈ જતી હોય છે. આવી ફરિયાદો મળતા કોર્પોરેશનની લાઈટ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code