Site icon Revoi.in

અમદાવાદના લો ગાર્ડન હેપી સ્ટ્રીટમાં 72 પરવાનેદારોને 15000 માસિક ભાડામાં જગ્યા ફાળવાઈ

Social Share

અમદાવાદઃ શહેરના લો ગાર્ડન પાસેની ગલીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટ નામ આપીને ફુડ પ્લાઝા બનાવવામાં આવી છે. જેમાં ફુડ સ્ટોલ માટે જગ્યા ભાડે આપવામાં આવી છે. અગાઉ ભાડાના મામલે વિવાદ ઊભો થયો હતો. અને આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. અગાઉ તોતિંગ ભાડું નક્કી કરાતા ઘણાબધા સ્ટોલધારકો ભાડુ ચુકવી શક્યા નહોતો. આવા સ્ટોલધારકો પાસે કરોડો રૂપિયા બાકી બોલે છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવરાત્રીમાં ખાણીપીણી બજાર ફરી ધમધમતી કરવા માટે માસિક રૂપિયા 15000ના ભાડાંમાં સ્ટોલ ફાળવવાની દરખાસ્તને મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી દીધી છે.

અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં  કુલ મળીને 72 પરવાનેદારોને માસિક રૂપિયા 15 હજારના ભાડાથી જગ્યા ફાળવવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી.નોંધનીય બાબત એ છે કે, વર્ષ-2019માં આ જગ્યામાં 22 પરવાનેદારોને જગ્યા ફાળવવામા આવી હતી. જે પૈકી 14 ફુડવાન ધારકોએ છ મહીનાનુ ભાડુ કોર્પોરેશનમાં જમા નહી કરાવતા નોટિસ અપાઈ હતી.એક કરોડથી વધુની રકમ અગાઉના પરવાનેદારો પાસેથી વસૂલવાની બાકી હોવા છતાં અધિકારીઓને જ ખબર નથી કે અગાઉના પરવાનેદારો પાસેથી કેટલી રકમ લેહણી નીકળે છે. છ વર્ષ અગાઉ આ જગ્યા મેળવવા વિવિધ પરવાનેદારોએ માસિક રૂપિયા 1.25  લાખ સુધીનુ માસિક ભાડુ ભરવા તૈયારી બતાવી હતી.

શહેરના નવરંગપુરા વોર્ડના લો-ગાર્ડન વિસ્તારમાં વર્ષ-2019માં હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા મ્યુનિ. કોર્પોરેશને શરૂ કરાવ્યુ હતુ. એ સમયે હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની જગ્યામાં હેરિટેજ પ્રકારની દીવાલ બનાવવા પાછળ જ રૂપિયા છ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો હતો.લો-ગાર્ડન વિસ્તારમાં લો-ગાર્ડન સર્કલથી  એન.સી.સી.સર્કલ સુધીના રસ્તાની દક્ષિણ દિશામા હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા બનાવાયુ એ સમયથી જ એક પછી એક નવા વિવાદ સામે આવ્યા હતા.વધુ પડતા ભાડાની રકમને લઈને ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા.જે પછી 16 જાન્યુઆરી-2025ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ માસિક રૂપિયા 25 હજારના ભાડાથી ફૂડ વેન્ડર્સને જગ્યા આપવા મંજૂરી આપી હતી.અગાઉ 43 પરવાનેદારોને સ્ટોલ માટે મંજૂરી અપાઈ હતી.આ પૈકી 36 સ્ટોલ ધારકો  ભાડુ વધારે પડતા કોર્ટમાં ગયા હતા.જે અનુસંધાનમાં માસિક ભાડુ સ્ટોલ દીઠ રૃપિયા 25 હજાર કરવા મંજૂરી અપાઈ હતી. ગઈકાલે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માસિક ભાડાની રકમ પ્રતિ સ્ટોલ દીઠ 15 હજાર કરી 36 પીટીશનરોને ડ્રો દ્વારા ફાળવવામા આવેલ જગ્યા ઉપરાંત જુના લો ગાર્ડન ખાણી-પીણી બજારના 12 પીટીશનરો તેમજ વધુ 24 પરવાના ફૂડ પ્લાઝા માટે આપવા નિર્ણય લેવાયો છે.

Exit mobile version