1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ
ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ

ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ

0
Social Share

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ 432 નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેની વિસ્તૃત વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત 10,040 ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત 4420  ગામને મળી કુલ 14,460  ગામને પાણી પુરવઠો પૂરો પાડવા 266 જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના, ટ્યુબ વેલ, કુવા, હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા 200 ડી.આર. બોર તેમજ3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી, જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર 15 દિવસે આ ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ 2100 એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે ભાવનગર જિલ્લાના બુઘેલથી બોરડા સુધીની ૫૫ કિ.મી બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ કરી વધારાનુ 180 એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આદિવાસી જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારની આંતરિક વિતરણ યૉજનાઓમા લીકેજ અથવા રીપેરીગ જણાય તો ટોલ ફ્રી નંબર 1916 ઉપર ફરીયાદ મળ્યેથી વાસ્મો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code