દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત
દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 77 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 3.27 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 20,40,229 થઈ ગઈ છે, મૃત્યુઆંક વધીને 26,648 થઈ ગયો છે.
વિભાગના બુલેટિન મુજબ, હાલમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 624 છે, જેમાંથી 472 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. સોમવારે, દિલ્હીમાં 3.89 ટકાના સંક્રમણ દર સાથે કોવિડ -19 ના 37 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા.
દેશમાં છેલ્લા 24 કલાકના કોરોનાના કેસની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના કુલ 1,331 નવા કેસો સામે આવ્યા છે આ સાથે જ આ આંકડો વિતેલા દિવસે નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા કરતા ઓછો થયો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે આ આંકડો 1,839 હતો. દેશભરમાં સક્રિય કેસોની સંખ્યાની વાત કરીએ તો તે 25 હજારથી ઘટીને 22 હજાર થઇ ચૂકી છે.આ સાથે જ હવે કોરોનામાંથી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 98.76% ટકા નોંધાયો છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓની સંખ્યા કરતા બમણી છે,છેલ્લા 24 કલાકમાં 3 હજાર 752 લોકોએ કોરોનાને માત આપી છે અને તેઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.જો દેશભરમાં કોરોના સંક્રમણના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો તે હાલ 0.92 ટકા જોવા મળે છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.97 ટકા છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા હાલ 22 હજાર 742 નોંઘાઈ છે.