Site icon Revoi.in

અમેરિકામાં 8 ભારતીય ગેંગસ્ટરની કરાઈ ધરપકડ, અપહરણ અને ખંડણી સહિતના કેસમાં સંડોવણી

Social Share

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન જોઆક્વિન કાઉન્ટીમાં પોલીસ અને FBI એ ભારતીય મૂળના 8 લોકોની ધરપકડ કરી છે. તેમના પર એક સ્થાનિક વ્યક્તિનું અપહરણ કરવાનો, તેને નગ્ન કરીને કલાકો સુધી ત્રાસ આપવાનો અને પછી પૈસા પડાવવાનો આરોપ છે.

તપાસ એજન્સીઓ અનુસાર, આ ગેંગ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં પણ હત્યા અને હથિયારોના કેસોમાં સંડોવાયેલી છે. ધરપકડ કરાયેલા લોકોની આ ગેંગનો નેતા પવિત્ર સિંહ હોવાનું કહેવાય છે, જે પંજાબના બટાલામાં હત્યા સહિત અનેક કેસોમાં ભારતમાં પણ વોન્ટેડ છે. FBI એ જણાવ્યું હતું કે આ ગેંગનું નેટવર્ક અમેરિકા, ભારત અને કેનેડામાં ફેલાયેલું છે.

શેરિફ પેટ્રિક વિથરોએ જણાવ્યું હતું કે તેમને 21 જૂને આ કેસ વિશે જાણ કરવામાં આવી હતી. તપાસ બાદ,  FBI, સ્ટોકટન પોલીસ, મેન્ટેકા પોલીસ અને કાઉન્ટી શેરિફ ઓફિસની સંયુક્ત SWAT ટીમે પાંચ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી. આ દરમિયાન, છતના વેન્ટમાં છુપાયેલી મશીનગન, એસોલ્ટ રાઇફલ્સ અને $15,000 રોકડ મળી આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગ પર અપહરણ, ખંડણી, ત્રાસ, ગેરકાયદેસર હથિયાર રાખવા, સાક્ષીઓને ધાકધમકી આપવી, ટ્રક હાઇજેક કરવા, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અને ભારતમાં રાજકીય હિંસા જેવા ગંભીર આરોપો છે. આ ગેંગના અન્ય સભ્યોમાં દિલપ્રીત સિંહ, સરબજીત સિંહ, ગુરતાજ સિંહ, અમૃતપાલ સિંહ, વિશાલ સિંહ, અર્શપ્રીત સિંહ અને મનપ્રીત રંધાવા છે.

એફબીઆઈએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન વિભાગ દ્વારા છ આરોપીઓની અલગથી અટકાયત કરવામાં આવી છે. હવે એફબીઆઈ ભારત અને કેનેડા સાથે મળીને વધુ કાનૂની કાર્યવાહી અને સંભવિત પ્રત્યાર્પણની તૈયારી કરી રહી છે. કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની રોન ફ્રીટાસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આઠેય આરોપીઓ પર ગેંગ સંબંધિત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેમને જામીન વિના આજીવન કેદની સજા ફટકારી શકાય છે.

શેરિફે કહ્યું, “આ લોકો જાનવર છે, તેમને માનવ જીવનનો કોઈ આદર નથી.” પોલીસ અને એફબીઆઈએ અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકન સમુદાયને અપીલ કરી છે કે જો કોઈ ખંડણી માંગે છે અથવા તેમને ધમકી આપે છે, તો તાત્કાલિક હેલ્પલાઇન પર જાણ કરો.