Site icon Revoi.in

ટ્યુશન ક્લાસિસ પર નિયંત્રણ માટે કાયદો બનાવવા 8 સભ્યોની કમિટીની રચના

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ નિયંત્રણ લાવવા ઘણા સમયથી માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરાઈ છે.

ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસના નિયંત્રણ માટે અને વિદ્યાર્થીઓ માટેની સુરક્ષાના નિયમો ઘડવા માટે રાજ્ય સરકારે કાયદો ઘડવા માટે કમિટીની રચના કરી છે. જેમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકોની મનમાની અને વધતી જતી ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી હોવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નિર્ણયને કારણે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે સરકાર હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર અંકુશ લાવવા માટે ગંભીર છે. ગુજરાત સરકારનું આ પગલું શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વનો સુધારો લાવવાની સંભાવના ધરાવે છે. કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો ખાનગી ટ્યુશન સંચાલકો માટે કેવી માર્ગદર્શિકા તૈયાર કરશે.

 

Exit mobile version