Site icon Revoi.in

બનાસકાંઠાના લાખેણીના જસરા ગામે અશ્વ સ્પર્ધામાં 800 અશ્વસવારોએ ભાગ લીધો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી દિને અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. 14 વર્ષ પહેલાં માત્ર 150 અશ્વો સાથે શરૂ થયેલા આ મેળામાં આ વખતે અશ્વોસ્પર્ધામાં 800 અશ્વસવારોએ ભાગ લીધો હતો. જેમાં મારવાડી સિંધી કાઠીયાવાડી સહિતના જુદી જુદી જાતના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે યોજાયેલી અશ્વસ્પર્ધામાં માત્ર ગુજરાતના જ નહીં પણ પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરળથી જાતવાન અશ્વો લઈને તેમના માલિકો આવ્યા હતા. આ અશ્વસ્પર્ધામાં ભારતનો સૌથી ઊંચો બૃજ ખલીફા અશ્વ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા બે વર્ષથી આ મેળામાં અશ્વો ઉપરાંત ગૌવંશને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ વખતે અલગ અલગ ગામોના 15 દેશી બુલ ખાસ બોલાવવામાં આવ્યા હતા. ભારતના સૌથી મોટા મેગા અશ્વ શોમાં આ વર્ષે પાટણના રાજુભાઈ દેસાઈની માલિકીના ભારત વિજય નામના અશ્વએ તમામ હરીફોને પાછળ રાખી શેરો કા શેરનું બિરુદ મેળવ્યું હતું.  જુદી જુદી સ્પર્ધાઓમાં ઇનામો પાછળ 29 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અશ્વસ્પર્ધાના આયોજકોના કહેવા મુજબ સમગ્ર આયોજન પાછળ અંદાજિત 60 થી 70 લાખ જેટલો ખર્ચ થયો છે. અંતિમ દિવસે સાંજે 51,000 દેવડાઓની આરતી કરવામાં આવી હતી જેનાથી દૈદિપ્યમાન નજારો સર્જાઈ ગયો હતો. સાત દિવસના આ સમગ્ર સમારોહને પાર પાડવા માટે સમગ્ર જસરા ગામના સ્વયંસેવકોએ સેવા આપી હતી. સ્પર્ધાના અંતિમ દિવસે આખું તાલુકા મથક લાખણી ગામ બંધ રહ્યું હતું. બે લાખથી વધુ લોકો એક જ રસોડે જમ્યા હતા.