1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો
જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

0
Social Share

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સુરક્ષાદળોએ નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરી છે. હવે સુરક્ષાદળો આતંકીઓના બહાર આવવાની રાહ જોશે નહીં, પરંતુ તેમના ગુપ્ત ઠેકાણાઓ પર જ તેમનો ખાતમો બોલાવશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અમેરિકન M-4 રાઇફલ અને ઘાતક સ્ટીલની ગોળીઓથી સજ્જ લગભગ ’85’ પાકિસ્તાની આતંકીઓ છુપાયેલા છે. આ ગોળીઓ ‘લેવલ-3’ શ્રેણીના બુલેટપ્રૂફ વાહનો, જેકેટ અને બંકરોને વીંધી નાખવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ હવે સુરક્ષાદળોએ તેનો તોડ શોધી કાઢ્યો છે.

નવી રણનીતિ હેઠળ, હવે વધુ ઊંચાઈવાળા પહાડી વિસ્તારો અને કુદરતી ગુફાઓમાં છુપાયેલા આતંકીઓના ઠેકાણાઓ પર સીધા મોર્ટારથી ગોળા વરસાવવામાં આવશે. નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા કિશ્તવાડમાં થયેલી એક ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર સ્થળ પરથી બે AK-47 રાઇફલ, એક M-4 રાઇફલ અને સ્ટીલની ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં અનેક જગ્યાએથી આતંકીઓ પાસેથી M-4 રાઇફલ અને સ્ટીલ બુલેટ મળી આવી છે.

ગુપ્તચર માહિતી અનુસાર, જમ્મુ વિસ્તારમાં 30 થી 40 અને કાશ્મીર ખીણમાં 40 થી 57 પાકિસ્તાની આતંકીઓ સક્રિય હોવાનું મનાય છે. તેની સામે સ્થાનિક (લોકલ) આતંકીઓની સંખ્યા ઘટીને માત્ર છ રહી ગઈ છે. આ છમાંથી બે આતંકીઓ- લતીફ અને ઝાકિર જમ્મુ-કાશ્મીરમાં જ છુપાયેલા છે, જ્યારે બાકીના ચાર સરહદ પાર હોવાનું જાણવા મળ્યું છે. આમાંના મોટાભાગના આતંકીઓ ઊંચાઈવાળા પહાડો પર બનેલી કુદરતી ગુફાઓમાં સંતાયેલા છે.

વર્ષ 2017માં પુલવામાના લેથપોરા સ્થિત CRPF કેમ્પ પર થયેલા હુમલામાં જૈશના આતંકીઓએ પહેલીવાર સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. ચીનમાં બનેલી આ ગોળીઓ એટલી ઘાતક હોય છે કે તેને માત્ર ‘લેવલ-4’ બુલેટપ્રૂફ કવચ જ રોકી શકે છે. ભારતીય સુરક્ષાદળોમાં ‘આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડરી’નો ઉપયોગ ગેરકાયદેસર છે અને ‘નાટો’ દેશોએ પણ સ્ટીલની ગોળીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

7.62 mm સ્ટીલ કોર બુલેટની મારક ક્ષમતા 300 મીટર સુધીની હોય છે. આતંકીઓ મોટાભાગે એમ્બુશ (ઘાત લગાવીને હુમલો) કરવા માટે આનો ઉપયોગ કરે છે. કેટલાક મીટરના અંતરેથી M-4 કે AK-47 રાઇફલમાંથી ફાયર કરવામાં આવેલી આ ગોળીઓ ‘લેવલ-3’ના બુલેટપ્રૂફ વાહનો, મોરચા અને જેકેટોની આરપાર નીકળી જાય છે.

સુરક્ષાદળોને જાનમાલનું નુકસાન ન થાય અને જવાનો સુરક્ષિત રહે તે માટે હવે આતંકીઓના છુપાવવાના ઠેકાણાઓ જ ઉડાવી દેવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષો દરમિયાન આતંકીઓ સાથેની અથડામણોમાં દેશના ડઝનબંધ જવાનોએ શહીદી વહોરવી પડી છે. આમાંની મોટાભાગની અથડામણોમાં આતંકીઓએ આ જ ઘાતક સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. આ ખતરાને જોતા હવે પહાડીઓ કે બંકરોની પાછળ છુપાયેલા આતંકીઓ પર જવાનો સીધો હુમલો કરવાને બદલે દૂરથી જ મોર્ટારથી હુમલો કરી આતંકીઓનો ખાતમો બોલાવશે.

આ પણ વાંચોઃ રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવા ભાજપના સાંસદે કરી માંગણી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code