Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ  ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત કરોડોનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અને તેનું વહન રોકવા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર-મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ સંપતિ તેમજ રોયલ્ટી પાસ કરતા વધારે ભરેલ બ્લેક ટ્રેપ 09 ઓવરલોડ ડમ્પર સહિત અંદાજે રૂપિયા 2.25  કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ઝડપાયેલા મુદામાલ સીઝ કરી ભૂમાફિયાઓ અને ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, થાન, વઢવાણ સહિતના તાલુકાઓમાંથી ભૂમાફિયાઓ દ્વારા બ્લેક ટ્રેપ, રેતી, સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન વર્ષોથી થતું આવે છે પરંતુ તેમ છતાંય ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ સરપ્રાઈઝ ચેકિંગ કે રેઇડ કરવામાં આવતા ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ કે રેઇડ કરી મુદામાલ કબજે કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર કામગીરી દર્શાવવા ખાણ ખનિજ વિભાગ રેઇડ કરતું હોય તેમ લાગી રહ્યું છે.

Exit mobile version