- દારૂ ખરીદીની રસિદ બતાવ્યા છતાંયે પોલીસે ફર્જી ગણાવીને ધમકી આપી,
- પોલીસ સ્ટેશન લઈ જઈને 25 લાખની માગણી કરી,
- રૂપિયા 10 લાખ આપ્યા બાદ ત્રણેય યુવાનોને મારમાર્યો
દમણઃ બારડોલીના ત્રણ યુવાનો દમણ ફરવા માટે આવ્યા હતા. ત્રણેય યુવાનોએ હેરીટેજ વાઈન શોપમાંથી દારૂની બોટલ ખરીદીને કારમાં હોટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક્ટિવા અને ત્રણ બાઈક પર આવેલા પોલીસ કર્મચારીઓએ કારને રોકીને તલાશી લીધી હતી. અને દારૂની બોટલ મળતા તેની રસિદ માગી હતી. યુવાનોએ રસિત બતાવતા તે ફર્જી હોવાનું કહીને ત્રણેય યુવાનોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેસ કરવાની ધમકી આપીને 25 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. દરમિયાન રકઝકને અંતે 10 લાખનો તોડ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય યુવાનોને મારમારતા યુવાનોએ SP કેતન બંસલને ફરિયાદ કરતા પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારી સામે ગુનોં નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત રૂરલના બારડોલીના મોટા ગામના ત્રણ મિત્રો 25 ઓગસ્ટે દમણ ફરવા ગયા હતા. ભીમપોર ડોરીમાં હેરિટેજ વાઇન શોપમાંથી કાયદેસર રીતે ખરીદેલા દારૂની રસીદ સાથે તેઓ વાસુકીનાથ મંદિર તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક્ટિવા અને ત્રણ બાઇક પર આવેલા 5-6 પોલીસકર્મીઓએ તેમની ઇનોવા કાર રોકી હતી. દારૂ મળતાં તેમને પોલીસ મુખ્યાલય લઈ જવાયા હતા. પોલીસે યુવકોના મોબાઇલ ફોન જપ્ત કરી લીધા હતા. કાયદેસરની રસીદ બતાવવા છતાં તેને ફર્જી ગણાવી 14 વર્ષની સજાની ધમકી આપી હતી. પોલીસે પ્રથમ 25 લાખની માગણી કરી હતી. પછી 20 લાખ અને અંતે 10 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. યુવકોના પરિવારજનોએ 10 લાખ રૂપિયા આપ્યા પછી પણ પોલીસે માર મારતા તેમણે 112 પર ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની દમણના SP કેતન બંસલ અને તેમની ટીમે તપાસ કરતા PSI સહિત 9 પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. તમામની ધરપકડ કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણના રેન્જ IG પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ફરિયાદી અને આરોપી પોલીસ કર્મચારીઓના નિવેદન લઈ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.