Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાનું 91453 કિલો ડ્રગ્સ પકડાયુ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અને વિદેશોથી ડ્રગ્સની ઘૂંસણખોરી પણ વધી રહી છે. માત્ર એરપોર્ટ પરથી નહીં પણ દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં 1600 કીમીનો દરિયા કિનારો આવેલો છે. મરીન પોલીસ એલર્ટ હોવા છતાંયે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘૂસાડવામાં સફળ રહેતા હોય છે. ત્યારે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. જેની કિમત કરોડોમાં આંકવામાં આવી છે.

ગુજરાતમાં દારૂની જેમ  ડ્રગ્સનું દૂષણ પણ વધી રહ્યુ છે. ખાસ કરીને મહાનગરોમાં ડ્રગ્સના વ્યસનીઓ વધતા જાય છે. પરિણામે એમડી ડ્રગ્સની ડિમાન્ડ વધી છે. જેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થયાં છે. ડ્રગ્સ માફિયાઓને ખાખીનો ડર રહ્યો નથી. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે. જ્યારે હજારો કિલો ડ્રગ્સ ઘૂંસાડવામાં ડ્રગ્સ માફિયા સફળ રહેતા હોય છે.  લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. રાજયમાં બિન વારસી ડ્રગ્સ પકડવાના બનાવો પણ વધી રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓને અગાઉથી જાણ થઈ જતાં પોલીસ આવ્યા પહેલા જ ડ્રગ્સનો જથ્થો રેઢો મુકીને નાસી જતા હોય છે. કહેવાય છે કે, આખાય ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું રહ્યુ છે. કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું પણ ન તો ડ્રગ્સ માફિયા ઝડપાયાં, ન તો ડ્રગ્સ પેડલરો પકડાયાં. ડ્રગ્સનો જથ્થો પકડી સરકાર અને પોલીસ માત્ર વાહવાહી લૂંટી રહી છે પણ ડ્રગ્સના વેપારના મૂળીયા સુધી પહોચવામાં પોલીસનો પનો ટૂંકો પડ્યો છે.

Exit mobile version