
ગુજરાતમાં હવે કોરોના પીડિત દર્દીને હોસ્પિટલમાંથી મળશે રેમડેસિવિર ઈન્જેકશન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી છે. તેમજ દર્દીઓના સજાઓ કલાકો સુધી લાઈનમાં ઉભા કરીને મેડિકલ સ્ટોરમાંથી ઈન્જેકશન મેળવે છે. દરમિયાન રાજ્ય સરકારે રેમડેસિવિર ઈજન્કેશનના જથ્થાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર સમક્ષ અરજી કરનારી હોસ્પિટલને મંજૂરી પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવશે. તેમજ કોઈપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં. તેવો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ પીડિત દર્દીઓની સારવાર કરતી કોઇપણ હોસ્પિટલનેને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે. તેમણે ગુજરાત સમક્ષ અરજી કરીને મેળવવાની રહેશે. સરકારની મંજૂરી હોય એટલા જ જથ્થામાં તેમને ઈન્જેકશન મળશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીને જ રેમડેસિવિર ઈન્જેકશન મળશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન તબીબના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં. ગુજરાત સરકાર હાલમાં દેશની સાત કંપનીઓ પાસેથી ઈન્જેકશનનો જથ્થો મેળવે છે. કંપનીઓએ પણ તેનું ઉત્પાદનમાં વધારો કર્યો છે. ત્રણથી ચાર જ દિવસમાં રાજ્યમાં જોઇતી માગને પહોંચી વળાય તેટલો જથ્થો ગુજરાત સરકાર પાસે ઉપલબ્ધ હશે.