
સુરતમાં લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે લોકજાગૃતિના પાંચ લાખ પોસ્ટર લગાવાયા
સુરતઃ શહેરમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે.બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે લોકો સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતિ આણવા ભાદરૂપે સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા પાંચ લાખ જેટલી પત્રિકાઓ વહેંચી કોરોનાની મહામારીથી ડરવાને બદલે હિંમત આપવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. પાંચ લાખ જેટલા પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા છે. સુરતની સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપનું સરાહનીય કાર્યને લઈ તમામ સામાજિક સંસ્થાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરત શહેરમાં કોરોના સંક્રમિસ લોકોને અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ કરી રહી છે. કોરોનાના દર્દીઓને બીમારી કરતા તેનો ડર વધુ સતાવતો હોય છે. તમામ સુરતવાસીઓ હાલ કોરોનાથી ખૂબ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે. તેવામાં સુરતવાસીઓ ડરે નહીં અને કોરોના સામે હિંમતથી લડે તેવા હેતુથી શહેરના સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા પાંચ લાખ જેટલી પત્રિકાઓ વહેંચી હતી. અને અનેક જગ્યાએએ પત્રિકાઓ ચિપકાવી એવરનેસનું કાર્ય કર્યું હતું. સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપના રાજ વૈદ્ય, લુશી પટેલ તેમજ ટ્રાફિક પોલીસ શાખાના એસીપી અશોક સિંહ ચૌહાણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન પણ દરરોજ 1000 જેટલા લોકોને જમાડવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. જે ફરીથી લોકો માટે સેવાના કાર્યમાં જોતરાયા છે અને 5 લાખ જેટલી પત્રિકાઓ સુરતના વિવિધ વિસ્તારમાં વહેંચી લોકોને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.
આ પત્રિકામાં હાલ કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો લખ્યા છે જેમ કે સોશિયલ મીડિયામા ફેલાતા ભ્રામક સમાચારોને ટાળવા, રસી અવશ્ય મુકાવો, કોરોના આપણી બેદરકારીથી ફેલાય છે, ડોકટરની સલાહ મુજબ જ દવા ખરીદી કરવી. સંક્રમિત થયા બાદ શું કરવું તેના વિશે પણ લખ્યું છે જેમકે હંમેશા સમતોલ આહાર લેવો, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ચેકઅપ કરાવવું, ક્વોરન્ટીન થઈ જાવું અને ઘરના તમામ સભ્યોનો રિપોર્ટ કરાવી લેવો. બીમારી રોકવાના ઘરગથ્થુ ઈલાજ કરવાના ઉપાય પણ લખ્યા છે. જેમાં ઘરમાં ગૂગળનો ધૂપ કરવો, નાક બંધ થઈ જાય તો તાત્કાલિક ઓક્સિજન માટે ભાગવું નહીં પરંતુ નીલગીરી અને અજવાઇન તેલની વરાળ લેવી, ગરમ પાણી સાથે લીંબુનો રસ પિતા રહેવું. ઘરની બહાર જાવ ત્યારે અજમો કપૂર ગોટી, લવિંગ નવા કપડાની પોટલી બનાવી સાથે રાખી સૂંઘવી જેવી તમામ બાબતો આ પત્રિકામાં લખવામાં આવી છે.