
પોલીસમાં ફરજ બજાવતાં પિતરાઇ ભાઇના માર્ગદર્શનથી પ્રેરાઇ યુવાન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે જોડાયો
સુરત : નવાગામ ડિંડોલી વિસ્તારની ખોડલકૃપા સોસાયટીમાં રહેતો સ્વપ્નલિ ગુલાલે નામના યુવકની ઇન્ડયિન આર્મીમા લેફ્ટનન્ટ ઓફિસર તરીકે પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો.
સામાન્ય પરવિારના સ્વપ્નિલના પિતા નિવૃત્ત પોસ્ટમાસ્ટર હોય, સ્વપ્નિલે અથાગ મહેનત કરી આ સફળતા મેળવી હતી.સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલીની માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. ત્યાર બાદ પી.ટી.સાયન્સ કોલેજમાં બી.એસ.સી.માં એડમશિન લીધુ હતું.પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પૂરું કરવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્વપ્નિલ અભ્યાસની સાથે સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલેએ પિતરાઇ ભાઇ સ્વપ્નિલને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જેથી કોલેજમાં એન.સી.સી.માં એડમશિન લીધું હતું. ત્યાર બાદ તેને આબુ,સાપુતારા અને રાયગઢમાં એનસીસી કેમ્પમાં ભાગ લીધો હતો. ત્યાં આકરી ટેકરીઓ ઉપર પર્વતારોહણ કર્યું હતું.
આર્થિક રીતે મધ્યમવર્ગીય ગુલાલે પરિવારના સ્વપ્નિલનું ધ્યેય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી. ૧૧ મહિના સુધી ચેન્નઇ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરનાર સ્વપ્નિલની પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે. નિમણૂક થયા બાદ સુરત પધારેલા સ્વપ્નિલનું તેના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા સુરત એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. તેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યો હતો.