 
                                    અમદાવાદમાં વિચિત્ર અકસ્માતઃ CTM ફ્લાઈઓવરબ્રીજ પર કારની ટક્કરથી સ્કુટરચાલક બ્રીજ નીચે પટકાયો
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર-સીટીએમ ફ્લાયઓવર બ્રિજ પર પૂરપાટ દોડી રહેલી કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા વાહન ચલાવી રહેલો યુવક બ્રિજથી નીચે પટકાયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો તો બીજી તરફ કારચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ શહેરના હાટકેશ્વર-સીટીએમ ફ્લાયઓવર બ્રિજ પર પૂરપાટ દોડી રહેલી કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા વાહન ચલાવી રહેલો યુવક બ્રિજથી નીચે પટકાયો હતો.ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે એક્ટિવા સ્લીપ ખાઈ ગઈ હતી જ્યારે ટુ-વ્હીલર ચાલક ફ્લાયઓવર પરથી નીચે પડ્યો હતો.
અને તેના હાથ તેમજ પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેના મોંમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તે ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આવો જ કંઈક અકસ્માત ઈસ્કોન ફ્લાયઓવર પર થોડા સમય પહેલા બન્યો હતો.જ્યાં પૂર ઝડપે આવી રહેલા વાહને ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી હતી. યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બંને કેસમાં પીડિતની ઓળખ હજી સુધી થઈ હતી. બંને કિસ્સામાં, પોલીસે બેદરકારીભર્યા ડ્રાઈવિંગ બદલ કેસ નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

