
- ભારતીય સેનાને મળી મોટી સફળતા
- લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર
- તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે
નવી દિલ્હી: ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરના ટોચના કમાન્ડર નદીમ અબરારને ઠાર કર્યો છે.
એન્કાઉન્ટરમાં નદીમ અબરાર અને એક પાકિસ્તાની નાગરિક શહેરના પરમિપોરા વિસ્તારમાં માર્યા ગયા હતા. કાશ્મીર ઝોનના વિજય કુમારે આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, શ્રી નગરના મલ્હુરા પરમિપોરા ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી અને ટોચનો લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અબરાર માર્યો ગયો છે અને તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.
આતંકીઓ હુમલા માટે જે માર્ગનો વારંવાર ઉપયોગ કરે છે તે અંગેનું એક વિશેષ ઇનપુટને ધ્યાનમાં રાખીને માર્ગો પર પોલીસ અને CRPFની કેટલીક સંયુક્ત ચેક પોસ્ટ મૂકવામાં આવી હતી.
નદીમ અબરાર જે પરિસરની અંદર છુપાયો હતો, તેને સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. આ સ્થળેથી સુરક્ષા દળને અનેક હથિયારો અને દારૂગોળો સહિતની અનેક ગુનાહિત સામગ્રી (Criminal Content) મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકો પર તાજેતરમાં થયેલા અનેક હુમલામાં ભાગ લેનાર નદીમ અબરારની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ધરપકડ બાદ શ્રીનગરના મલ્હુરા પરમિપોરા વિસ્તારમાં તેના સાથીઓ દ્વારા સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી.