અમિત શાહ દિલ્હી જવા રવાના, હવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે સવારે દિલ્હી રવાના થયા હતા. હવે આગામી તા. 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન ખુલ્લુ મુકશે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ‘આમ આદમી પાર્ટી’ની સક્રિયતાને કારણે ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલમાં કોરોનાની બીજી ઘાતક અસર ચાલી રહી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા હતા, તે પછી પહેલી વખત ગુજરાતથી જાહેર મુલાકાતો અને પ્રવાસનો પ્રારભં કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને ખુલ્લા મુકશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલેરીમાં કૅમ શો પ્રકારના જળચર પ્રાણીઓ છે કે દેશની પહેલી ગેલેરી બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાનારી રોબોટિક ગેલેરી કે જેમાં માનવીની દૈનિક ક્રિયાઓમા રોબોટનો ઉપયોગ કેટલો અને ક્યાં થઈ શકશે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાતમાળની ચાર પ્રેસિડેન્ટ સ્યુટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા ૩૩૦ કરોડની ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સક્રિય થતા જ ભાજપ પણ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. જૂનમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત ખુંદવા લાગ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપના સંગઠનના આગેવાનો, કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓને પ્રજા વચ્ચે જવાના આદેશો કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, સરકારે એક બાદ એક 113 વિકાસ કાર્યોના લોકાર્પણો, ખાતમુહૂર્ત અને મંજૂરીઓ શરૂ કરી છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

