
અમદાવાદનો જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ 7મી ઓગસ્ટ સુધી બંધ રહેશે
અમદાવાદઃ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રિજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ મેટ્રોની કામગીરી માટ બ્રિજ ત્રણ દિવસ બંધ કરાયો હતો. ત્યાર બાદ આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાયો હતો.
અમદાવાદમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ફ્લાયઓવર બંધ થતા જ વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ છે. ગત જુલાઈ મહિને બ્રિજ બંધ રાખવાથી જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના સમગ્ર માર્ગ પર સવારથી ટ્રાફિક જામ સર્જાયો હતો. મેટ્રો રેલનું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી 7 દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 1 ઓગસ્ટથી 7 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ફ્લાયઓવર બંધ કરતા તમામ ટ્રાફિક વેજલપુર તરફ ડાયવર્ટ થયો છે. વેજલપુર રોડ – બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા – વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા – ધરણીધર ચાર રસ્તા – સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે.