 
                                    પાલનપુરઃ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પુનમનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે નહીં યોજાઈ. કોરોનાને લીધે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ભાદરવી પૂનમનો મેળો તા.13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન અંબાજીમાં યોજાવાનો હતો. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, અધૂરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહામેળો યોજાશે કે નહિ ? આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ્ય જોવા મળી રહ્યુ છે. જોકે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છેકે આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય.
ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવને લીધે સરકારે અગમચેતિ દાખવીને લોકમેળાઓને મંજુરી ન આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના જન્માષ્ટ્રમીના લોકમેળાને પણ સરકારે મંજુરી આપી નથી ઉપરાંત સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોક મેળો પણ આ વર્ષે યોજાવવાનો નથી. ત્યારે અંબાજીનો ભાદરવી પૂનમના મેળાને સરકાર મંજુરી આપે તેમ લાગતું નથી. એટલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ ટૂંક સમયમાં મેળો ન યોજવાનો નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના પરંપરાગત મહામેળાને લઈ તંત્ર દ્વારા 6 મહિના અગાઉ તૈયારીઓમાં લાગી જતું હતુ. પરંતુ આ મેળાને માંડ 27 જેટલા દિવસ બાકી હોવા છતાં હજુ સુધી કોઈ હલચલ જોવા મળી નથી.આ જ સ્પષ્ટ સંકેત છે કે મેળો આ વખતે પણ યોજાઈ તેવી શક્યતા નથી. સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઇ ભાદરવી મહા કુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જયારે હવે મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહી છે. ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઇભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ ? તે બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહી છે. બીજી તરફ ભાદરવી મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા પાંચ થી છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયમાં વહીવટી તંત્રનો પણ કોઈ સળવળાટ જોવા મળતો નથી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

