સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું, સૂત્રાપાડામાં 6 ઈંચ, બાબરામાં 5 ઈંચ, માણાવદર, ખાંભા, અને ગોંડલમાં 4 ઈંચ,
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. હજુ પણ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે, અને આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 6 ઈંચ, અમરેલીના બાબરામાં પાંચ ઈંચ, જુનાગઢના માણાવદરમાં ચાર ઈંચ, અમરેલીના ખાંભામાં 4 ઈંચ, અને રાજકોટના ગોંડલમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. અને બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. બપોર બાદ સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલના વાસાવડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતૂર બની છે. વાસાવડી નદીનાં પુલ પરથી પાણી વહી રહ્યું છે. ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી હતી. જોકે કોઇ જાનહાનિ થઇ નથી. ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલના દેરડીકુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યું છે. જસદણ પંથકમાં સવારે દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ બપોર બાદ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આટકોટમાં બપોર બાદ પણ વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.