ભારતમાં માર્ચ 2020 પછી રિકવરી રેટ સર્વોચ્ચ ટોચ ઉપરઃ હાલમાં સાજા થવાનો દર 98.07
દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા મોટાપાયે કોરોના રસીકરણ પૂર્ણ કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં 96.82 લાખ લોકોને કોરોનાની રસી આપીને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં હાલ દરરોજ સરેરાશ 30થી 35 લાખ લોકોને દરરોજ કોરોનાની રસી આપવામાં આવે છે. જેથી હવે ગણતરીના દિવસોમાં પણ 100 કરોડ લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો થયો છે. હાલ 98.07 ટકા જેટલો રિકવરી રેટ છે. માર્ચ 2020 પછીની સર્વોચ્ચ સપાટી ઉપર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 3.33 કરોડથી વધારે લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. બીજી તરફ દેશમાં સતત 109 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યાં દરરોજ સરેરાશ 50 હજારની નીચે નોંધાય છે. હાલ દેશમાં લગભગ 2.07 લાખ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગની કામગીરી તેજ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં 58.76 કરોડ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.44 ટકા પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 111 દિવસથી 3 ટકા કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.46 ટકા નોંધાયો છે. છેલ્લા 45 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 3 ટકાથી નીચે અને સતત 128 દિવસો માટે 5 ટકાની નીચે રહ્યો છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

