ગાંધીનગરઃ ગુનાઓને ઉકેલવા માટે હવે રાજ્યની પોલીસને પણ હાઈટેક બનાવવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસને પણ સ્પીડવાળા વાહનો તેમજ વાહનોની ગતિને પારખવા માટે સ્પીડ ગન પુરી પાડવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં ટ્રાફિક પોલીસ ટવેરામાં હાઈ-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે હવે એક દાયકા જૂની ટવેરાને નિવૃત્ત કરવાનો સમય થઈ ગયો છે. સરકાર ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લાની ટ્રાફિક પોલીસને નવી ઇનોવા કાર આપશે, જે આરોપીઓ અને ગુનો કરીને ભાગી જતા વાહનચાલકોને પકડવામાં મદદરૂપ થઈ શકશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુનેગારો સ્પિડમાં ચાલતાં વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસને પણ સ્પિડમાં દોડી શકે તેવી 2 ઇનોવા કાર આપવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લામાં ઇન્ટરસેપ્ટર તરીકે કાર્યરત ટવેરાને દૂર કરી ઇનોવા કાર અપાશે. જ્યારે અન્ય એક ઇનોવાને હાઈ-વે મોબાઇલ તરીકે ઉપયોગ કરી શકે તે માટે અપાશે. ઇનોવામાં સ્પિડ ગન સહિત ફાયર એક્ટિંગ્યુશર, હેલોઝન સહિતની લાઇટ મૂકાશે, જેનો રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ઉપયોગ કરી શકશે. ઉપરાંત હાઈ-વે પર કોઈ અકસ્માત થાય તો ફાયર અને એબ્યુલન્સ આવે તે પહેલાં ઈજાગ્રસ્તોને બચાવી શકાય તે માટે અલગ પ્રકારનું કટર અપાશે.
ટ્રાફિક પોલીસને 2 નવી ઇનોવા કાર ફાળવાશે, જેમાં એકનું નામ હાઈ-વે મોબાઇલ આપવામાં આવ્યું છે ત્યારે આ હાઈ-વે મોબાઇલમાં પાછળની સીટમાં તમામ ટૅક્નૉલૉજી ફિટ કરાશે, જેમાં ખાસ કરીને સ્પિડ ગન ફિટ કરાયેલી હશે. તે ડાબી-જમણી બાજુ ફરી શકશે અને મોબાઇલને હાઈ-વે પર એક જગ્યાએ પાર્ક કરીને સ્પિડમાં આવતાં વાહનોની સ્પિડ ચેક કરી મેમો આપવામાં ઉપયોગી બનશે.