કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત
દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે 8મી નવેમ્બરથી ભારતીયો અમેરિકા જઈ શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં બનેલી કોવેક્સિનને દુનિયાના અનેક દેશોએ મંજૂરી આપી છે. WHOએ મંજૂરી આપ્યા બાદ અમેરિકાએ પણ તેની યાદીમાં સામેલ કરી છે. અત્યાર સુધી તો કોવેક્સિન લેનાર લોકોની અમેરિકામાં એન્ટ્રી મળી શકતી નહોતી પરંતુ હવે કોવેક્સિન લેનાર આસાનાથી અમેરિકામાં પ્રવેશી શકશે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (સીડીસી)ના પ્રેસ ઓફિસર સ્કોટ પોલીએ જણાવ્યું કે, “સીડીસીની યાત્રા સંબંધિત ગાઈડલાઈન્સ એફડીએ દ્વારા મંજૂર અથવા અધિકૃત અને ડબ્લ્યુએચઓના ઈમરજન્સી ઉપયોગ માટે જારી કરવામાં આવેલી રસીઓની સૂચિને લાગુ પડે છે.” કોઈપણ નવી રસી સમય જતાં તે સૂચિઓમાં શામેલ કરી શકાય છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

