કોરોના રસીકરણ અભિયાનઃ વડોદરા ગ્રામ્યમાં 7 દિવસમાં 23320 લોકોને સુરક્ષિત કરાયાં
- ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું
- 3481 લોકોને પ્રથમ અને 9548 લોકોને બીજો ડોઝ અપાયો
- 10291 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોની ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને કોરોનાની રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાત દિવસમાં વિવિધ ઉંમરના લગભગ 23320 લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોરોનાની રસી મળી રહે તે માટે વિવિધ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં સપ્તાહ દરમિયાન 3481 લોકોને રસીનો પહેલો, 9548 લોકોને બીજો અને 10291 લોકોને ત્રીજો તકેદારી ડોઝ આપવામાં આવ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, સાત દિવસમાં 15 વર્ષથી વધુની ઉંમરના 23320 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો અને 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અને કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યાં છે.