ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ રીતે બહાર,સર્વેમાં થયો ખુલાસો
- કોરોના મહામારીની આર્થિક અસરોથી ભારત બહાર
- દેશના અર્થતંત્રને લઈને આવ્યા સારા સમાચાર
- સર્વેમાં થયો મોટો ખુલાસો
દિલ્હી: દેશમાં કોરોનાવાયરસ મહામારીના કારણે કેટલીક આર્થિક મુશ્કેલીનો સર્જાઈ હતી પણ તે તમામ મુશ્કેલીઓમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. એક સર્વેમાં આ પ્રકારની માહિતી બહાર આવી છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે કે હવે મહામારીની અસરો પૂર્ણ થઇ અને ઉજ્જવળ ભવિષ્ય ભારતની રાહ જોઈ રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાની ધારણા છે એટલે કે આવતા વર્ષે જીડીપી ઘટશે. કેન્દ્ર સરકારની કર અને કર સિવાયની આવકમાં અત્યારે જંગી વૃદ્ધિ જોવા મળી રહી છે એટલે આવતા વર્ષે પણ સરકાર મૂડીરોકાણ ચાલુ રાખી શકે એમ છે એવું સર્વે જણાવે છે.
સર્વેના 415 પાનામાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અર્થતંત્રને કોઈ રાહતની જરૂર છે, કેન્દ્ર સરકારે અપનાવેલી નીતિઓમાં ફેરફારની જરૂર છે. સરકારે જે માર્ગ અપનાવ્યો છે એ શ્રેષ્ઠ જ છે. જો ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ 70-75 ડોલર પ્રતિ બેરલ રહે (અત્યારે ભાવ 88-91 ડોલર છે) તો વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8થી 8.5 ટકા રહેશે એવું સર્વે જણાવે છે.
અન્ય દેશોની જેમ ભારત સરકારે મહામારીની અસરથી બચવા માટે એક ચોક્કસ માર્ગ અપનાવવાના બદલે અલગ જ માર્ગ અને નીતિઓ અપનાવી હતી. આ નીતિઓના કારણે ભારત 2021-22 દરમિયાન મહામારીની અસરો દૂર કરી સદ્ધર રીતે 2022-23માં પ્રવેશી રહ્યું છે. સરકારે વંચિતોને સુરક્ષિત કર્યા છે જયારે અન્ય લોકોને ટેકો આપ્યો છે. ભારત સરકારે આવી રહેલા આંકડાઓના આધારે, સંકેત અનુસાર ચોક્કસ પગલાં લઇ અર્થતંત્રને બચાવ્યું છે.


