
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દર મહિને ગુજરાતનો પ્રવાસ કરી વિવિધ વિકાસકાર્યો, લોકહિતની યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરી પોતાના મુદ્દાઓ, કાર્યોને જનતા સમક્ષ મુકી રહ્યા છે હવે ભાજપ પ્રદેશ એકમ દ્વારા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે એ પહેલાં રાજ્યવ્યાપી ગૌરવ યાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે.આગામી તા. 7મી ઓક્ટોબરથી પાંચ ઝોનમાં યોજાનારી ગૌરવયાત્રામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વખતોવખત સામેલ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ માટે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ કેન્દ્રમાં રાખીને આગળ વધવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પછી પણ એ જ પાંચ વર્ષ યથાવત રહેશે. પરંતુ ભાજપમાં ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીનો ચહેરો જ પ્રમુખસ્થાને રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના નેતૃત્વમાં ગુજરાત તથા કેન્દ્રમાં હાથ ધરાયેલા જનહિત તથા વિકાસ કામોને જ જનતા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એમ સૂત્ર આપીને કાર્યકરોને જનતા સમક્ષ જઇ કેન્દ્રની યોજનાઓના લાભ અપાવવા વારંવાર સૂચન કરાયા છે. હવે આ બધા મુદ્દાઓને આવરી લઇ રાજ્યના પાંચ ઝોનમાં ગૌરવ યાત્રા યોજવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી તા. 7મી ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિમાં આ યાત્રાનું પ્રસ્થાન થશે. લગભગ દરેક ઝોનમાં દસ દસ દિવસ આ યાત્રા મહત્તમ વિસ્તારોને આવરી લે એવી રીતે આયોજન કરાશે. અગાઉ યુવા મોરચા દ્વારા પણ યાત્રા યોજવામાં આવી હતી. ભાજપ નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયગાળામાં ચૂંટણી પ્રચારના માહોલને સક્રિય કરવા માગે છે. એના પછી એક સાથે રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકો, નેતાઓ, આગેવાનોના એક સાથે પ્રવાસ શરૂ કરી કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવશે. (file photo)