 
                                    અમદાવાદ: દેશભરમાં આવતીકાલે 26મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે જેમાં ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સારી કામગીરી બદલ 12 અધિકારીને પોલીસ મેડલ એનાયત કરાશે જેમાં યુવરાજસિંહ રાઠોડ, અજય કુમાર સ્વામી, ભગવાનભાઈ રાંઝા, કિરિટસિંહ રાજપૂત,ઝુલ્ફીકર અલી ચૌહાણ,બાલકૃષ્ણ ત્રિવેદી, ભાવેશ રોજીયા, પ્રદ્યુમનસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ વાઘેલા,હિતેશ પટેલ,ગૌતમ પરમાર,પરિક્ષિતા રાઠોડનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા પણ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ મુખ્યમંત્રીના પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. હોમગાર્ડના એક જવાનને મુખ્યમંત્રી અને એક રાજ્યપાલ ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. પસંદગી પામેલા સુરતસિંહ વાઘજી સોઢા નં. 2 બટાલિયન બોર્ડરવિંગમાં હવાલદારની ફરજ બજાવી રહ્યા છે. તેમણે બટાલિયન ખાતેથી આયોજિત કરવામાં આવેલી તાલીમો સફળતાપૂર્વક મેળવી છે. હાલમાં તેઓ સી’ કંપની ખાતે ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટરમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત વેલુભા મેરામણજી જાડેજા નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવી હતી. તેઓએ બોર્ડર ડયૂટી કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા તેમજ રાજ્ય અને રાજ્ય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. સવાઇસિંહ ભુરજી સોઢા નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવી બોર્ડર ડયૂટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા સહિત ફરજ બજાવી છે. માવજી હીરા પરમાર નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે લાન્સ નાયકની જગ્યાએ તા. 30/7/2003ના નિમણૂંક મેળવ્યા બાદ હાલે લાન્સ નાયકની ફરજ બજાવી રહ્યા છે.. આ એવોર્ડ મળવા બદલ પાંચે કર્મચારીઓને બટાલિયન કમાન્ડન્ટ પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

