1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં
દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

0
Social Share

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને લાખ રૂપિયાથી પણ વધુનો પગાર મેળવતા દાહોદ જિલ્લાના શિક્ષણાધિકારી કાજલ દવે દસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.  મહિલા અધિકારીએ પોતાના જ વિભાગના એક કર્મચારી પાસેથી લાંચ માગી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદના જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાના તાબાના કર્મચારી પાસેથી રૂપિયા 10.000ની લાંચ માગી હતી. આ કર્મચારી નિવૃત્ત થવાના હોવાથી તેમને પોતાની પેન્શનની ફાઈલ ક્લિયર કરાવવાની હતી. જેમાં તેમની પાસેથી સરકારને કોઈ લેણાં બાકી ના નીકળતા હોવાના પ્રમાણપત્ર રજૂ કરવાનું હતું. આ પ્રમાણપત્રમાં ક્લાસ-1 અધિકારી એવા કાજલ દવેની સહી કરાવવાની હતી. જેના માટે દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ 10 હજારની લાંચ માગી હતી. નિવૃત્ત થઈ રહેલા સરકારી કર્મચારી પેન્શનની ફાઈલ ક્લિયર કરાવવા માટે પોતાના ઉપરી અધિકારીને લાંચ આપવા માગતા ના હોવાથી તેમણે આ અંગે એન્ટિ કરપ્શન બ્યૂરોને જાણ કરી હતી. જેના આધારે દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. ડીંડોરે ટ્રેપ ગોઠવી હતી. જેમાં દસ હજાર રૂપિયાની લાંચ માગનારા કાજલ દવે ફરિયાદી સાથે આ મામલે વાતચીત કરવા ઉપરાંત દસ હજાર રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ક્લાસ-1 અધિકારી કાજલ દવેએ પોતાની ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારી હતી, હાલ એસીબી દ્વારા તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચ લેવાના કિસ્સામાં મોટાભાગે જુનિયર લેવલના કર્મચારીઓ જ ઝડપાતા હોય છે. ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ઝડપાયા હોય તેવી ઘટના ક્યારેક જ બનતી હોય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અધિકારીઓ સીધા લાંચના નાણા ક્યારેય સ્વીકારતા નથી પણ પોતાના મળતીયાઓ દ્વારા જ નાણા લેવામાં આવતા હોય છે. અને એસીબીમાં ન પકડાય તેની ભારે ચોક્સાઈ રાખતા હોય છે. એટલે આવા અધિકારીઓને રંગેહાથ પકડવા મુશ્કેલ હોય છે. એન્ટી કરપ્શન બ્યૂરોના રિપોર્ટ અનુસાર, 2022માં ભ્રષ્ટાચારના 176 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં 256 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમની સામે ગુનો નોંધાયો તેમાંથી 158 ગુજરાત સરકારના જ્યારે 13 કેન્દ્ર સરકારના કર્મચારી હતા જ્યારે 94 ખાનગી વ્યક્તિ હતા જે વચેટિયા તરીકે કામ કરતા હતા. જોકે, 2022માં માત્ર એક જ ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જ્યારે ક્લાસ-2 અધિકારીનો આંકડો 30 હતો. લાંચ લેતા ઝડપાયેલા સરકારી કર્મચારીઓમાં સૌથી વધુ પોલીસકર્મીઓ હતા, જેમની સંખ્યા 43 નોંધાઈ હતી, જ્યારે 20 લાંચિયા અધિકારીઓ ઝડપાવાની સાથે રેવન્યૂ વિભાગનો નંબર બીજા ક્રમે રહ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code