વાવાઝોડાને પગલે શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન કરવા ન આવવા મંદિર ટ્રસ્ટની અપીલ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ આવતીકાલે બપોરના સમયે જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુરુવારે દ્વારકા મંદિર શ્રદ્ધાળુઓના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સોમનાથ મંદિર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં સોમનાથ દર્શન કરવા નહીં આવતા માટે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે સોમનાથના દરિયામાં પણ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા અહીં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીજી તરફ વાવાઝોડાના પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે. તેમજ કેટલાક રૂટ ટૂંકાવામાં આવ્યા છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જયારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે. આગામી ૧૬મી જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે.
(Photo-File)