1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CBI ઓફિસર હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
CBI ઓફિસર હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

CBI ઓફિસર હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

0
Social Share

અમદાવાદ:  રાતોરાત માલદાર બનવા માટે કેટલાક શખસો પોલીસ, આઈએએસ કે સીબીઆઈના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. બનાવટી પોલીસ બનીને રૌફ જમાવતા કે લોકો પાસેથી રૂપિયા પડાવતા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે સીબીઆઇ ઓફિસર બનીને લોકો પાસે છેતરપિંડી કરતો હતો. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીએ  માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં લોકોને છેતર્યા છે. વાક્છટામાં માહેર શખસ લોકોને આસાનીથી શિકાર બનાવી લેતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નકલી અધિકારીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મધ્યપ્રદેશના સુલતાનખાન એહમદખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. સુલતાનખાન પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપતો હતો અને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. જો કે તેણે અત્યાર સુધીમાં 30 જેટલા ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને સુલતાનખાન પાસેથી સીબીઆઈ અધિકારીનું આઇકાર્ડ, યુનિફોર્મ, પિકેપ, બુટ, મોજા, બેલ્ટ સહિતની વસ્તુઓ મળી આવી હતી. આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે સુલતાનખાન પોતાની ઓરિજનલ ઓળખ છૂપાવી પોતાનું નામ રાજેશ મિશ્રા હોવાના ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતાં. પોલીસને જે ડોક્યુમેન્ટ મળી આવ્યા છે તેમાં રાજેશ મિશ્રા તરીકે ઓળખ આપવામાં આવી હતી. નકલી સીબીઆઈ ઓફિસર લોકો સાથે એકલો છેતરપિંડી કરતો ના હતો પરંતુ આ નકલી સીબીઆઈ ઓફિસર તેની સાથે અન્ય પોલીસ તરીકેના ડુપ્લીકેટ માણસો પણ રાખતો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી સુલતાનખાન નકલી સીબીઆઈ અધિકારી બનતો અને તેની ગેંગના માણસો પોલીસ સ્ટેશન કે રેલવે સ્ટેશનની નજીક ઉભા રહેતા. સુલતાનખાન કારમાં બેસી રહેતો અને તેની ગેંગના માણસો શ્રીમંત દેખાતા અને મોટી ઉંમરના લોકોને તેની પાસે બોલાવતા અને જણાવતા કે, ગાડીમાં ડી.એસ.પી સાહેબ બેઠા છે અને તમને બોલાવે છે. તેમ કહી તેના સાગરીતો ભોગ બનનારને લઈ જતા અને તેના સાગરીતોને બેગ ચેક કરવાનું જણાવતો. આ દરમિયાન તેના સાગરીતો બેગમાં રાખેલો કિમંતી સામાન, દાગીના તથા રોકડ રકમ નજર ચુકવી કાઢી લેતાં હતા. એટલું જ નહિં પણ સુલતાનખાન અને તેની ગેંગના માણસો રસ્તે જતી મહિલાઓ જેને સોનાના દાગીના પહેરેલા હોય તેમને રોકી આગળ ચોરી કરતી ગેંગ આવેલી છે. જેથી દાગીના ઉતારી બેગમાં મુકવાનુ જણાવતા હતા. આ દરમિયાન તેમની જ ગેંગનો એક સાગરીત પણ પોતાના દાગીના ઉતારી આપતો જેથી બીજા લોકો પણ વિશ્વાસમાં આવી તેઓએ પહેરેલા દાગીના કાઢી આપતાં હતા. જે બાદ ગેંગના સભ્યો લોકોની નજર ચુકવી તે દાગીના મેળવી લઇ ત્યારબાદ કાગળના પડીકામાં લપેટી દાગીનાની જગ્યાએ બીજી કોઇ ચીજ વસ્તુ ભરી પાછા આપતા હતાં. નકલી સીબીઆઈની ઓળખ આપી અને સુલતાનખાનમાંથી રાજેશ મિશ્રા તરીકેની ઓળખ આપનાર સામે ફક્ત અમદાવાદ કે ગુજરાતમાં નહિં પણ અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પંજાબ રાજ્યમાં કેથલ પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ, ચંદીગઢ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં 5 ગુનાઓ, પંચકુલા પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત હરિયાણા રાજ્યમાં રોહતક પોલીસ સ્ટેશનમાં 5 તેમજ રેવાડી પોલીસ સ્ટેશનમાં 3 ગુનાઓ નોંધાયા છે. તથા  દિલ્હી પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ રખિયાલ વિસ્તારમાંથી નકલી સીબીઆઈ અધિકારીની ધરપકડ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહીં છે કે સુલતાનખાને અન્ય કેટલા ગુનાઓ આચર્યા છે અને તેની ગેંગના અન્ય સભ્યો કોણ કોણ છે અને હાલ તેમની શોધખોળ પણ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code