એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું
બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોનાકોમાં યોજાનારી મોનાકો એનર્જી બોટ ચેલેન્જ 2023માં ભાગ લેશે.
કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના 10 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની આ ટીમનું નામ છે Sea Sakthi. તે જુલાઈમાં યોજાનારી મોનાકો એનર્જી બોટ ચેલેન્જમાં ભાગ લેવા જઈ રહી છે. ટીમ Sea Sakthi એકમાત્ર એવી ટીમ છે જે ભારત તરફથી આ ઈવેન્ટમાં ભાગ લેશે. આ હાઇડ્રોજન એનર્જી બોટનું વજન 310 કિલો છે. આ એક પ્રકારની બોટ વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી છે અને તે વિશ્વભરના આંતરરાષ્ટ્રીય બોટ રેસરો સામે સ્પર્ધા કરશે. આ વર્ષે મોનાકો એનર્જી બોટ ચેલેન્જ 2023માં 10 દેશોની 17 ટીમો ભાગ લઈ રહી છે.
મોનાકો એનર્જી બોટ ચેલેન્જ માટે તમિલનાડુની કુમારગુરુ કોલેજ ઓફ ટેક્નોલોજીની 10 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમે હાઈડ્રોજન-ઈંધણથી ચાલતી બોટ બનાવી છે, જે આ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેશે. આ વૈશ્વિક ઈવેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય હાઈડ્રોજન એન્જિન સંચાલિત બોટનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવાનો છે. બોટિંગ ઉદ્યોગમાં હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, પ્રતિષ્ઠિત યાટ ક્લબ ડી મોનાકોએ મોનાકો એનર્જી બોટ ચેલેન્જનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાનો એક ઉદ્દેશ સમુદ્રમાં ઈ-ગતિશીલતાને પ્રોત્સાહિત કરવાનો અને વિદ્યાર્થીઓ અને સંશોધકોને જેરો કાર્બન પર ભાર મૂકતી બોટ બનાવવામાં મદદ કરવાનો છે.