
370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે..
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની પ્રજાની જેમ તમામ યોજના અને સેવાઓનો લાભ મળે તેવી કામગીરી કરી છે. છેલ્લા ચાર વર્ષમાં અહીં વિકાસના અનેક કાર્યો થઈ રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાન અનેક મંચ ઉપર આર્ટીકલ 370નો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, તમામ મોરચે ભારત તેને દર્પણ બતાવે છે, એટલું જ નહીં પીઓકેની જનતા ઉપર અત્યાચાર ગુજારતી પાકિસ્તાન આર્મી અને સરકારે ખુલ્લા પાડવામાં આવી રહ્યાં છે.
તાજેતરમાં એસસીઓના કાર્યક્રમમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રીની સાથે આવેલા પાકિસ્તાની પત્રકારોએ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરને જમ્મુ-કાશ્મીરને લઈને કેટલાક સવાલ કર્યા હતા. જો કે, ડો.એસ.જયશંકરએ પાકિસ્તાની મીડિયાને તેમની ભાષામાં જ જબાવ આપતા કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે, જેથી આ મુદ્દે ચર્ચાનો કોઈ મુદ્દો નથી, એટલું જ નહીં પાકિસ્તાન પીઓકે ક્યારે ખાલી કરે છે તેવો સવાલ કર્યો હતો.
દેશની જનતા છેલ્લા કેટલાક સમયથી પીઓકે ભારતમાં ફરીથી ભળે તેવી ઈચ્છા રાખી રહ્યાં છે. એટલું જ નહીં પાકિસ્તાની આર્મીના અત્યાચાર અને મોંઘવારીનો સામનો કરતી પીઓકેની જનતા પણ ભારત સાથે ભળી જવા માંગે છે, આ માટે વિરોધ અને દેખાવોના વીડિયો પણ સામે આવી રહ્યાં છે. બીજી તરફ ભારત સરકારે પઈ પીઓકેને પરત મેળવવા માટે રોડમેપ તૈયાર કર્યો હોવાનું જાણવા મળે છે.