 
                                    નવી દિલ્હીઃ દિલ્હી-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા બુધવારે રાતના બિહારના બક્સર જિલ્લાના રધુનાથપુર સ્ટેશન નજીક ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ દૂર્ઘટના ચાર વ્યક્તિઓના મોત થયા હતા અને 40 મુસાફરોને ઈજા થઈ હતી. રેલવેએ આ ઘટનાની તપાસનો આદેશ કર્યો છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. રેલવે ટ્રેક ખરાબ હોવાને કારણે આ દૂર્ઘટના સર્જાયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ તારણ પ્રાથમિક તપાસમાં આવ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ પૂર્ણ તપાસ બાદ બહાર આવશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હીથી અસમ જઈ રહેલી ટ્રેનના 23 જેટલા ડબ્બા બુધવારે રાતના લગભગ 9.53 કલાકે પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વ મધ્ય રેલવેના ચીફ પીઆરઓ વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ઘટનાનું કારણ જાણવા માટે તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ કર્યો છે. આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને રૂ. 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરવામાં આવશે. બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર ચાર વ્યક્તિ પૈકી એક બિહારની હતી જ્યારે અન્ય વ્યક્તિ બીજા રાજ્યની હતી.
નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અકસ્માતને ધ્યાનમાં રાખીને પટનાની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઈસ્ટર્ન ઝોન રેલવે સેફ્ટી કમિશનર રેલવે અકસ્માતની તપાસ કરશે. પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી, બિરેન્દ્ર કુમારે ઓલ ઈન્ડિયા રેડિયોને જણાવ્યું કે રેલ ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.ઘટના દરમિયાન કુલ 23 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
બિરેન્દ્ર કુમારે કહ્યું કે નવી દિલ્હી-પટના-હાવડા રૂટ પર તમામ મોટી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઘટનાને જોતા ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. પટના-પુરી સ્પેશિયલ સહિત પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે. નવી દિલ્હી-પટના-હાવડા રેલ સેક્શન પરની ટ્રેન સેવાઓ દીનદયાળ ઉપાધ્યાય-ગયા-પટના અને દીનદયાળ ઉપાધ્યાય-સાસારામ-પટના રેલ વિભાગના બદલાયેલા રૂટ પર ચાલી રહી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

